રાજસ્થાનઃ સવાઇ માધોપુર પાસે ખાનગી બસ નદીમાં ખાબકી, 32 પ્રવાસીઓના મોત

રાજસ્થાનઃ સવાઈ માધોપુર પાસે આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના માધોપુર પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ નદીમાં ખાબકતા આશરે 32 પ્રવાસી મોત થયા છે અને 25 જેટલા લોકો ઘવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતાંક વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બસ સવાઈ માધોપુરથી લાલસોટ ગામ તરફ જતી હતી. સવારના સુમારે બનાસ નદીના પુલ પર બસ પહોંચી અને તે સમયે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબી ગુમાવ્યો અને બસ પુલ પરની રેલિંગ તોડીને સીધી જ નદીમાં ખાબકી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થેળ પહોંચી ગયા હતા અને તરત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બસ પેસેન્જર્સથી ભરેલી હતી અને ખૂબ સ્પીડમાં જઈ રહી હતી.  પ્રશાસન હવે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

સ્થાનિક લોકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બસ સગીર વયનો યુવક ચલાવી રહ્યો હતો. બસના ડ્રાઈવરે સગીર વયના પોતાના કંડક્ટરને બસ ચલાવવા માટે આપી હતી અને નદીના પુલ પર પહોંચી અને બસની સ્પીડ પણ ખૂજ વધારે હોવાથી આ સગીર વયના કંડક્ટરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ નદીમાં ખાબકી હતી. સગીર વયના કંડક્ટરની ઉંમર 16 વર્ષની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે