રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

જયપુર- ભારે વિલંબ અને મનોમંથન બાદ આખરે રાજસ્થાન કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના 152 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં કોંગ્રેસના તમામ મોટા નેતાઓના નામ છે. આ યાદી પ્રમાણે ટોંક વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સચિન પાયલટ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના સંગઠન પ્રધાન અને રાજસ્થાનના ભૂતપૂર્વ સીએમ અશોક ગેહલોત પોતાની પરંપરાગત વિધાનસભા બેઠક જોધપુરના સરદારપુરાથી ચૂંટણી લડી રહ્યા છે.અગાઉ બુધવારે ગેહલોત અને પાયલટે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી કે તેઓ ચૂંટણી લડશે. કોંગ્રેસે રાષ્ટ્રીય મહિલા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ ગિરિજા વ્યાસને ઉદયપુરથી અને પાર્ટીના વરિષ્ઠ નેતા સી.પી. જોશીને નાથદ્વારાથી ટિકિટ આપવામાં આવી છે. રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા રામેશ્વરલાલ ડૂડીને નોખા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા સાંસદ હરીશ મીણાને દેવલી ઉનિયારાથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે.

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિના મહાસચિવ મુકુલ વાસનિકે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભંવરીદેવી કાંડમાં જેલમાં બંધ મહિપાલ મદેરણાની પુત્રી દિવ્યા મદેરણા જોધપુરના ઓસિયાંથી કોંગ્રેસના ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે 2008માં સી.પી. જોશી નાથદ્વારા બેઠક પરથી માત્ર એક જ વોટથી હાર્યા હતા. તેમને ફરી એકવાર પાર્ટી દ્વારા તક આપવામાં આવી છે. આ સિવાય આ વર્ષે અજમેરથી સાંસદ બનેલા રઘુ શર્માને કેકડી વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર જીતેલા તમામ ધારાસભ્યોને કોંગ્રેસે  રિપીટ કર્યા છે. એક દિવસ પહેલા જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા અને પાંચ ટર્મ ધારાસભ્ય રહેલા હબીબુર્ર રહમાનને કોંગ્રેસે નાગોર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. અશોક ગહેલોતની સરકાર દરમિયાન પ્રધાનમંડળમાં સામેલ મોટાભાગના પ્રધાનોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં 152 ઉમેદવારોની યાદીમાં 40 જેટલા નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]