દિલ્હી-યુપી સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, NDRFની ટીમ તહેનાત

નવી દિલ્હી- હવામાન વિભાગ દ્વારા દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર અને જમ્મુ-કશ્મીર સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (NDRF) 89 ટીમને હાઈ-એલર્ટ પર મૂકવામાં આવી છે.NDRF દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉપરોક્ત રાજ્યોમાં વરસાદ દરમિયાન પૂરની આશંકાને ધ્યાનમાં રાખીને NDRFની 45 ટીમને અગાઉથી જ તહેનાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં પૂરની આફત દરમિયાન કોઈપણ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વિશેષ તાલિમ મેળવેલા બચાવ કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પૈકી સૌથી વધુ 12 ટીમ આસામમાં, સાત ટીમ ગુજરાતમાં, જમ્મુ-કશ્મીર અને ઉત્તરાખંડમાં ચાર-ચાર ટીમ તથા અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ ટીમ તહેનાત કરવામાં આવી છે. રાજધાની દિલ્હી અને પંજાબમાં બે-બે અને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કીમ અને ત્રિપુરામાં NDRFની એક-એક ટીમ મોકલવામાં આવી છે.

NDRF ની ટીમે આસામ સહિત અન્ય રાજ્યોમાં પૂરની આશંકાવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 13 હજાર 550 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. સાથે જ આ વિસ્તારોમાં સ્થાનિક આપત્તિ પ્રબંધન સત્તાવાળાઓ સાથે મળીને શાળાઓ અને અન્ય સ્થળોએ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકોમાં જાગરુકતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.