ગુજરાત જ નહીં, પંજાબ,દિલ્હી સહિત અનેક જગ્યાએ કમોસમી વરસાદ, ભારે કરી!

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળા ક્ષેત્રમાં વરસાદી વાતાવરણ આગામી 4-5 દિવસ સુધી યથાવત રહેશે. મહત્વનું છે કે આજે ગુજરાતમાં કચ્છ,ગાંધીધામ,અંજાર, ભચાઉ અને દ્વારકામાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદને લઈને લોકો આશ્ચર્યમાં મુકાયા છે. તો પ્રયાગરાજમાં પડેલા વરસાદને લઈને કુંભ મેળામાં આવનારા શ્રદ્ઘાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

તો મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરી સુધી વરસાદ પડશે. આ પહેંલા જણાવવામાં આવ્યું હતું કે પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અમૃતસર, લુધિયાણા, અને પટિયાલામાં તાપમાન ક્રમશઃ 11 ડિગ્રી સેલ્સિયસ, 11.2 ડિગ્રી સેલ્સિયસ અને 10.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું જે સામાન્યથી સાત ડિગ્રી વધારે છે. પઠાનકોટ,આદમપુર,હલવાડા, અને ફરિદકોટમાં ન્યૂનતમ તાપમાન ક્રમશ) 12.7 ડિગ્રી  સેલ્સિયસ, 5.8 ડિગ્રી સેલ્સિયસ અને 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.

દિલ્હી એનસીઆરમાં આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજધાની અને આસપાસના વિસ્તારોમાં વાદળો ઘેરાયા હતા જેના કારણે અંધારું છવાયું હતું. ઉપરથી તેજ હવાઓ અને ઝરમર વરસાદે ઠંડકમાં વધારો કર્યો છે.

ઉત્તર પ્રદેશના લખનઉમાં હવામાન વિભાગ કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું આવનારા ત્રણ કલાક સુધી યૂપી, બિજનૌર, મેરઠ, મુરાદાબાદ, રામપુર, બદાયૂં, એટા, અમરોહા, બરેલી, બાગપત સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ અને વિજળી ગરજવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તો આગ્રા, મથુરા, બુલંદશહેર, ગૌતમબુદ્ધ નગર જેવા વિસ્તારોમાં વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

હવામાન વિભાગના અધિકારીએ કહ્યું કે લેહમાં તાપમાન શૂન્યથી 5.6 ડિગ્રી ઓછું, જ્યારે કારગિલમાં શૂન્યથી 14 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધવામાં આવ્યું છે. જમ્મૂ કાશ્મીરમાં કારગિલ સૌથી ઠંડુ સ્થળ નોંધાયું હતું. વિભાગના અધિકારી અનુસાર રવિવારે રાત્રે શ્રીનગરનું ન્યૂનતમ તાપમાન શૂન્યથી 0.3 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. શનિવારે રાત્રે પણ ન્યૂનતમ તાપમાન આટલું જ હતું. ઉત્તરી કાશ્મીરના ગુલમર્ગમાં રવિવારે રાત્રીનું તાપમાન શૂન્યથી ચાર ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. તો દક્ષિણી કાશ્મીરના પહલગામમાં તાપમાન શૂન્યથી 0.2 ડિગ્રી સેલ્સિયસ ઓછુ નોંધાયું હતું.

કાશ્મિરમાં આજે ઉંચાઈ વાળા સ્થાનો પર બરફ વર્ષા થઈ હતી જ્યારે મેદાની વિસ્તારમાં વરસાદ થયો હતો. આનાથી ઘાટીમાં લોકોને શિતલહેરથી રાહત મળી હતી. અધિકારીઓ અનુસાર સવારે મેદાની વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉંચી જગ્યાઓ પણ બરફ વર્ષાના સમાચારો પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગે મંગળવાર સુધી રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા જ્યારે કેટલાક સ્થાનો પર ભારે બરફવર્ષા થવાનું પૂર્વાનુમાન કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]