રેલવેની મુસાફરીમાં ચોરીનો ઉપદ્રવ વકર્યો, સૌથી વધુ નોંધાયાં…

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા સુરક્ષાના દાવા કરવામાં આવતાં રહે છે પરંતુ ટ્રેનોમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. રેલ મંત્રાલય જાહેર આંકડાઓ અનુસાર રેલવે પોતાના યાત્રીઓના સામાનની સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા નથી કરી શક્યું. આંકડાઓમાં જણાવે છે કે છેલ્લાં એક દશકમાં ચોરીના 1.71 લાખ મામલાઓ સામે આવ્યાં છે.

હકીકતમાં આરટીઆઈ કાયદા અંતર્ગત રેલવે સુરક્ષાને લઈને જાણકારી માંગવામાં આવી હતી. રેલ મંત્રાલયે જણાવ્યું કે દૈનિક આધાર પર સરેરાશ 2500 મેલ, એક્સપ્રેસ ટ્રેનોનું રેલવે સુરક્ષા દળ, રેલવે સુરક્ષા વિશેષ દળની સુરક્ષામાં પરિચાલન કરવામાં આવે છે. આ સિવાય આશરે 2200 ટ્રેનોનું સરકારી રેલવે પોલીસ સ્ટાફની સુરક્ષામાં પરિચાલન થાય છે.

રેલ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સૌથી વધારે 36,584 મામલાઓ 2018માં નોંધાયા હતા. તો 2017માં ચોરીના 33,044 મામલા નોંધાયા હતા. આ જ પ્રકારે 2016માં 22,106 અને 2015માં 19,215 મામલા નોંધાયા હતા. તો 2014માં ટ્રેનોમાં ચોરીના 14,301, વર્ષ 2013માં 12,261, વર્ષ 2012માં 9,292, 2011માં 9,653, 2010માં 7,549, અને 2009માં 7,010 મામલા નોંધાયા હતા. વર્ષ 2009 થી 2018 દરમિયાન ટ્રેનોમાં ચોરીના મામલાઓમાં પાંચ ગણો વધારો થયો. કુલ મળીને 2009 થી 2018 દરમિયાન ટ્રેનોમાં ચોરીથી કુલ 1,71,015 મામલા નોંધાયા.

તાજેતરમાં જ રેલ મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષ દરમિયાન રેલવે યાત્રીઓ પાસેથી પૈસા પડાવી લેવાના મામલામાં 73,837 કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે. આરટીઆઈ અંતર્ગત પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં રેલ મંત્રાલયે જણાવ્યું કે 2015માં કુલ 13,546 તો 2016માં 19,800, 2017માં 18,526 અને 2018માં 20,566 ટ્રાંસજેન્ડરની ધરપકડ કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં 1,399 ટ્રાંસજેન્ડરની ધરપકડ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે ભારતીય રેલવે દુનિયાનું બીજું સૌથી મોટુ રેલ નેટવર્ક છે. રેલવે અનુસાર પ્રતિ દિન 19,000થી વધારે ટ્રેનોનું પરિચાલન કરવામાં આવે છે. રોજ 1.3 કરોડ લોકો ભારતમાં રેલ યાત્રા કરે છે.