તો રેલવે ટિકીટ બૂકિંગ થશે 50 ટકા સુધી સસ્તું, જાણો કેવી રીતે મળશે લાભ

નવી દિલ્હી- ભારતીય રેલવે તેના પ્રવાસીઓ માટે નવી સર્વિસ લાવવા વિચારી રહ્યું છે. જે મુજબ પ્રવાસી જેટલી જલદી ટિકીટ બૂક કરાવશે તેટલો વધુ ફાયદો પ્રવાસીઓને થશે. વર્તમાન સમયમાં આ પ્રકારની વ્યવસ્થા એરલાઈન્સ તરફથી આપવામાં આવે છે. હવે ભારતીય રેલવે પણ આ સેવા જલદી શરુ કરવા વિચારી રહી છે.આ અંગે ફેર રીવ્યૂ કમિટીએ પોતાનો અભિપ્રાય ભારતીય રેલવેને મોકલી આપ્યો છે. જો રેલવે બોર્ડ ફેર રીવ્યૂ કમિટીની ભલામણ માન્ય રાખશે તો જલદી જ પ્રવાસીઓને આ સેવાનો લાભ મળવાપાત્ર થશે.

આ સપ્તાહની શરુઆતમાં જ કમિટીએ પોતાનો રિપોર્ટ મોકલી આપ્યો છે. સૂત્રોનું માનીએ તો, જે ભલામણો મોકલવામાં આવી છે તે મુજબ, જેટલી ખાલી સીટ રહેશે તે મુજબ રેલવે ભાડું નક્કી કરશે. આ વ્યવસ્થા એરલાઈન્સની એ વ્યવસ્થાની જેમ કામ કરશે જેમાં, વહેલી ટિકીટ બુક કરાવનારાઓને વધુ લાભ મળશે. ઉપરોક્ત આધાર પર કમિટીએ પ્રવાસીઓને ભાડામાં 20થી 50 ટકા સુધી છૂટ આપવાની ભલામણ કરી છે.

પ્રવાસી જ્યારે ટિકીટ બુક કરાવશે ત્યારે જેટલી વધુ બેઠકો ખાલી હશે તેટલો વધુ લાભ પ્રવાસીને મળશે. તેનાથી વિપરીત જેટલી ઓછી બેઠક ખાલી રહેશે તેટલી ટિકીટ મોંઘી પણ મળી શકે છે. ફેર રિવ્યૂ કમિટીએ વધુ એક અભિપ્રાય આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રેલવેમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ પણ ખાલી રહેલી સીટ પર ભાડામાં છૂટ આપવામાં આવે. આ અંગેની છૂટ ટ્રેનના બે દિવસ પહેલાથી લઈને ટ્રેન ઉપડવાના બે કલાક પહેલા સુધી આપવામાં આવી શકે છે.

આ ઉપરાંત ફેર રિવ્યૂ કમિટીએ પ્રવાસીઓ પાસેથી ફેસ્ટીવલ સિઝન દરમિયાન નીચેની સીટનો (બર્થ) વિકલ્પ પસંદ કરવા પર વધુ ભાડું લેવાની પણ ભલામણ કરી છે. આ ઉપરાંત કમિટીએ એવી પણ ભલામણ કરી છે કે, રેલવેએ પ્રવાસમાં એક સમાન ભાડાંને બદલે ફેસ્ટીવલ સિઝન અને પ્રવાસીઓની વ્યસ્તતા દરમિયાન ભાડું વધારવામાં આવે જ્યારે ઓછી વ્યસ્તતાના સમયમાં ભાડું ઓછું કરવામાં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]