હું રાહુલ ગાંધી છું, રાહુલ સાવરકર નહીંઃ ભારત બચાવો રેલીમાં રાહુલનો અંદાજ

નવી દિલ્હી: દિલ્હીના રામલીલા મેદાનમાં કૉંગ્રેસ દ્વારા ‘ભારત બચાવો’ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકતા કાયદો, મહિલાઓ પર હિંસા, બેરોજગારી અને બંધારણ પર હુમલા વગેરે મુદ્દાઓને લઈને કૉંગ્રેસ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આ રેલીનું આયોજન કર્યું છે.

રેલીને સંબોધન કરતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાના ‘રેપ ઇન ઇન્ડિયા’વાળા નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ પોતાના નિવેદન અંગે માફી નહીં માગે. તેમણે રામલીલા મેદાનમાં કહ્યું, “મારું નામ રાહુલ સાવરકર નથી. મારું નામ રાહુલ ગાંધી છે. હું સચ્ચાઈ માટે માફી નહીં માગું. મરી જઈશ પરંતુ માફી નહીં માગુ.”

આગળ રાહુલે કહ્યું કે, દેશને સૌથી વધુ નુકસાન પ્રધાનમંત્રીએ કર્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારેના અદાણીને 50 કોન્ટ્રાક્ટ આપ્યા છે. દેશના ઍરપૉર્ટ આપી દીધા. આને તમે શું કહેશો. આને તમે ચોરી નહીં કહો, ભ્રષ્ટાચાર નહીં કહો તો શું કહેશો. તેમણે તમામ રૂપિયા દેશના બે ત્રણ ઉદ્યોગપતિઓને આપી દીધા છે.

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં કહ્યું, હિન્દુસ્તાનના દુશ્મનો ઇચ્છતા હતા કે હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા નષ્ટ થઈ જાય. જે દુશ્મનોએ ના કર્યું તે આપણા વડા પ્રધાને કરી બતાવ્યું તેમ છતાં તેઓ પોતાને દેશભક્ત કહે છે. નરેન્દ્ર મોદીએ તમારા બધાના ખિસ્સામાંથી પૈસા છીનવી લીધા છે. કોલ રેટ વધારી દીધા છે અને કેટલાક ઉદ્યોગપતિઓનું કર્જ માફ કરી દીધુ છે. દેશની અર્થવ્યવસ્થાને તોડી નાખી. ખેડૂતો, મજૂર અને યુવાનોના ખિસ્સામાં પૈસા નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને સરકાર પાસે ખેડૂતોની આત્મહત્યાનો આંકડો પણ નથી. રાહુલે વધુમાં કહ્યું કે, સત્તા માટે આપણા વડા પ્રધાન કંઈ પણ કરી શકે છે. ટીવી પર નરેન્દ્ર મોદી દરરોજ જોવા મળે છે, એક જાહેરાતના લાખો રૂપિયા થાય છે. શું તમે જાણો છો આ જાહેરાતના પૈસા કોણ આપે છે?

તો બીજી તરફ આ રેલીમાં કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો લોકો સરકાર વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવશે નહીં તો આપણું બંધારણ નાશ પામશે. તમારી પાસેથી કામ છીનવી લેવામાં આવી રહ્યું છે અને બીજી તરફ નોકરીઓ પણ છીનવાઈ રહી છે, પરંતુ દરેક બસ સ્ટોપ અને ન્યૂઝ પેપરમાં મોદી છે તો મુમકીન છે લખેલું જોવા મળે છે. ભાજપના રાજમાં છેલ્લાં 45 વર્ષોમાં બેરોજગારીનો દર સૌથી વધારે છે, 4 કરોડ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. ડુંગળી 100 રુપિયે કિલો છે.

રેલીમાં કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]