ગુનેગાર માલ્યાને ભાગવામાં જેટલીએ મદદ કરી હતી, જેટલી રાજીનામું આપેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી પર આરોપ મૂક્યો છે કે ભાગેડૂ જાહેર કરાયેલા શરાબના વેપારી વિજય માલ્યાને ભારતમાંથી ભાગી જવામાં મદદરૂપ થવા માટે જેટલી એની સાથે ભળી ગયા હતા. આમ કહીને રાહુલે એવી માગણી કરી છે કે જેટલી એમના હોદ્દા પરથી રાજીનામું આપે.

અહીં કોંગ્રેસના મુખ્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે રાહુલે સવાલ ઉઠાવ્યો હતો કે માલ્યા સાથે સંસદભવનમાં થયેલી મીટિંગ વિશે જેટલીએ તપાસ એજન્સીઓ (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અને સીબીઆઈ)ને જાણ કેમ નહોતી કરી?

રાહુલે જેટલી પર આક્ષેપ કરતા કહ્યું કે, નાણાં પ્રધાને એક ભાગેડૂ (માલ્યા) સાથે વાતચીત કરી અને ભાગેડૂએ નાણાં પ્રધાનને કહ્યું કે હું લંડન ભાગી જવાનો છું. તે છતાં જેટલીએ સીબીઆઈ, ઈડી કે પોલીસને જાણ કેમ નહોતી કરી? જેટલીએ માલ્યાને દેશમાંથી ભાગી જવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, માલ્યાએ ગઈ કાલે લંડનમાં દાવો કર્યો હતો કે એણે ભારતમાંથી ભાગી જતા પહેલા નાણાં પ્રધાન સાથે વાતચીત કરી હતી.

દેશના આર્થિક ગુનેગાર માલ્યાને દેશમાંથી ભગાડવામાં મદદરૂપ થવા જેટલી અને મોદી સરકાર ભળેલી છે એવો પોતાનો આરોપ સાબિત કરવા માટે રાહુલે એમની પાર્ટીના રાજ્યસભાના સંસદસભ્ય પી.એલ. પુનિયાને પત્રકાર પરિષદમાં હાજર કર્યા હતા.

પુનિયાએ પત્રકારો સમક્ષ કહ્યું કે, 2016ની 1 માર્ચે સંસદભવની લોબીમાં જેટલી અને માલ્યા વચ્ચે મીટિંગ થઈ હતી. એ મીટિંગ પંદરેક મિનિટ જેટલી ચાલી હતી. ત્યારબાદ બંને જણ સેન્ટ્રલ હોલમાં પણ બેઠા હતા અને ત્યાં પણ બંને વચ્ચે વાતચીત થઈ હતી.

માલ્યાના આરોપના જવાબમાં જેટલીએ ગઈ કાલે નિવેદનમાં કહ્યું હતું કે એક વાર સંસદભવનની લોબીમાં પોતે ચાલતા જતા હતા ત્યારે માલ્યા ઝડપથી ચાલીને પોતાની સાથે જોડાયો હતો અને બેન્કો સાથે સમાધાન કરવા વિશે કંઈક બોલ્યો હતો, પણ પોતે એની સાથે કોઈ લાંબી વાત કરી નહોતી અને 2014 બાદ એને મળવાની કોઈ અપોઈન્ટમેન્ટ આપી નહોતી.

પરંતુ, આજે પુનિયાના દાવાએ જેટલીની સ્પષ્ટતાને ખોટી પાડી દીધી છે.

પુનિયાએ એમ પણ કહ્યું કે પોતે જેટલી-માલ્યા વચ્ચેની મીટિંગ વિશે પત્રકારોને જાણ કરી હતી. જેટલીએ પણ એ મીટિંગનો ક્યારેય ક્યાંય ઉલ્લેખ કર્યો નહોતો. બંને વચ્ચે મીટિંગ થઈ હોવાનું સીસીટીવી ફુટેજ પણ છે. જો હું ખોટો પડું તો હું રાજકારણ છોડી દઈશ નહીં તો જેટલીએ રાજીનામું આપવું જોઈએ.

httpss://twitter.com/RahulGandhi/status/1039917083851726848

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]