રાફેલ વિમાન સોદા અંગે રાહુલનો આરોપઃ ફ્રાન્સ સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હી – રાફેલ ફાઈટર જેટ વિમાનોની ખરીદી માટે મોદી સરકારે ફ્રાન્સને વધુપડતા નાણાં ચૂકવ્યા છે એવા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે લોકસભામાં કરેલા આરોપ અંગે ફ્રાન્સ સરકારે સ્પષ્ટતા કરી છે કે, ‘ભારત સાથેનો સોદો ખાનગી રાખવાનો બંને દેશ વચ્ચે કરાર થયો છે.’

રાહુલે આજે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચામાં એવો દાવો કર્યો હતો કે ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એમને જણાવ્યું હતું કે રાફેલ સોદા અંગે ભારત અને ફ્રાન્સ વચ્ચે કોઈ ખાનગી કરાર કરવામાં આવ્યો નથી.

રાહુલના આ આરોપના જવાબમાં આજે ફ્રાન્સના વિદેશ મંત્રાલયે નિવેદન કર્યું છે કે સોદાને લગતી માહિતી ખાનગી રાખવા માટે બંને દેશ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ પાર્ટીએ એવો આરોપ લગાવ્યો છે કે રાફેલ ફાઈટર જેટ વિમાનોની ખરીદી માટે અગાઉની યુપીએ સરકારે જે કિંમત નક્કી કરી હતી એની કરતાં મોદી સરકાર વધારે નાણાં ખર્ચી રહી છે. રાહુલે લોકસભામાં કહ્યું હતું કે હું ફ્રેન્ચ પ્રમુખ મેક્રોનને મળ્યો હતો અને એમણે મને જણાવ્યું હતું કે મોદી સરકારે ફ્રાન્સ સાથે કરેલા રાફેલ સોદાની વિગત જાહેર કરવામાં એમને કોઈ વાંધો નથી.

ફ્રાન્સના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે, અમે ભારતીય સંસદમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનની નોંધ લીધી છે. ફ્રાન્સ અને બારતે 2008માં એક સિક્યુરિટી એગ્રીમેન્ટ કર્યો હતો, જે મુજબ બંને દેશ માહિતીને ખાનગી રાખવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે.

મેક્રોને ફ્રેન્ચ પ્રમુખ તરીકે 2018ની 9 માર્ચે ઈન્ડિયા ટુડેને આપેલી એક મુલાકાતમાં જાહેરમાં જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ વચ્ચેનો સોદો ખૂબ જ સંવેદનશીલ છે. અમે એ વિશેની બધી વિગત જાહેર કરી શકીએ એમ નથી.

જોકે રાહુલ પોતાના આરોપને વળગી રહ્યા છે અને કહ્યું છે કે મેક્રોને એ દાવો મનમોહન સિંહની હાજરીમાં કર્યો હતો, કે ભારત-ફ્રાન્સ વચ્ચેના રાફેલ સોદામાં કંઈ ખાનગીપણું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]