સુપ્રીમ કોર્ટે કહ્યું, સરકાર જણાવે કેવી રીતે કરી રાફેલ ડીલ

નવી દિલ્હી- ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ ફાઈટર જેટની ડીલ અંગે સ્પષ્ટતાની માગણીને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે બે અરજદારોએ અપીલ કરી છે કે, સરકારે આ સોદામાં રાફેલ એરક્રાફ્ટની કિંમત સાર્વજનિક કરવી જોઈએ. જ્યારે ત્રીજા અરજદાર તહસીન પુનાવાલાએ સુનાવણીના ઠીક પહેલાં તેની અરજી પાછી ખેંચી લીધી હતી.સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે, તે જણાવે કે, રાફેલ ડીલને અંતિમ રુપ કેવી રીતે આપવામાં આવ્યું. કોર્ટે સરકારને કહ્યું છે કે, 29 ઓક્ટોબર સુધીમાં તે રાફેલ ડીલની પ્રક્રિયા ઉપલબ્ધ કરાવે. આ મામલે વધુ સુનાવણી 31 ઓક્ટોબરે કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વિનીત ઢાંડાએ કહ્યું કે, સરકાર એ નથી જણાવી રહી કે, રાફેલ જેટની કિંમતમાં હથિયાર અને વિમાનના મેઈનટેનન્સનો ખર્ચ શામેલ છે અથવા નહીં. જે અંગે સુપ્રીમ કોર્ટે વિનીત ઢાંડાને પ્રશ્ન કર્યો કે, તમારી અરજીનો ઉદ્દેશ્ય શું છે? જવાબમાં એડવોકેટ વિનીત ઢાંડાએ કહ્યું કે, કોર્ટ સામે તમામ વિગતો આવવી જોઈએ.

એડવોકેટ એમ.એલ. શર્માએ કહ્યું કે, આ કાયદાનું ઉલ્લંઘન અને ભ્રષ્ટાચાર છે. આ વિએના કન્વેન્શનનું પણ ઉલ્લંઘન છે. ભ્રષ્ટાચારના વિરોધમાં આંતરરાષ્ટ્રીય સંધિઓ કરવામાં આવી છે અને દેશ ભ્રષ્ટાચારના આરોપ વાળા કરારોને રદ કરી શકે છે.

તેમણે જણાવ્યું કે, વર્ષ 2012ના કરાર મુજબ ફ્રાંસની સંસદમાં રજૂ કરવામાં આવેલી રાફેલ જેટની વાસ્તવિક કિંમત 71 મિલિયન યૂરો છે. દસો એવિએસનની વાર્ષિક રિપોર્ટમાં પણ એરક્રાફ્ટની વાસ્તવિક કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એડવોકેટ એમ.એલ. શર્માએ ભારત ફ્રાંસ કરારના સંબંધમાં વિએના કન્વેન્શનનો પણ ઉલ્લેખ કર્યો. ફ્રાંસની સંસદમાં રજૂ કરવામાં આવેલા ઓરિજનલ દસ્તાવેજનો હવાલો આપીને તેમણે રાફેલની મૂળ કિંમત 71 મિલિયન યૂરો હોવાનો દાવો કર્યો. અને સરકાર પર 206 મિલિયન ડોલરના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006થી 2008 દરમિયાન આ ટેન્ડર કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]