1316 કરોડની સંપત્તિ, 3 વર્ષથી રડાર પર હતા માયાવતીના ભાઈ, વધી જશે મુશ્કેલીઓ…

0
1320

નવી દિલ્હીઃ બીએસપી સુપ્રીમો માયાવતીના ભાઈ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આનંદ કુમાર અને તેમની પત્ની વિચિત્ર લતાના આશરે 7 એકરના પ્લોટને જપ્ત કરીને મોદી સરકારે બેનામી સંપત્તિ વિરુદ્ધ ઝુંબેશ તેજ કરવાનો સંકેત આપી દીધો છે. આ પ્લોટની કીંમત આશરે 400 કરોડ રુપિયા જણાવવામાં આવી રહી છે. આયકર વિભાગની આ કાર્યવાહી બાદ નોએડા અને ગ્રેટર નોએડામાં બેનામી સંપત્તિનું બોક્સ ખુલી શકે છે. સુત્રોનું કહેવું છે કે કુમારની કુલ સંપત્તિ આશરે 1316 કરોડ રુપિયાની છે.

દિલ્હી સ્થિત આવકવેરા વિભાગના બેનામી પ્રોહિબિશન યુનિટે ૭ એકર ચોરસ વારનો અંદાજિત ૪૦૦ કરોડની જમીન ટાંચમાં લેવાનો આદેશ જારી કર્યો હતો. યુપીના નોઈડામાં આવેલો સાત એકર જમીનના પ્લોટના માલિક તરીકે આનંદકુમાર અને વિચિતર લતાને દર્શાવાયા છે. આદેશ અનુસાર જપ્ત થયેલી સંપત્તિને આનંદકુમાર અને તેમની પત્નીની બેનામી સંપત્તિ માનવામાં આવશે જે ૨૮,૩૨૮.૦૭ ચોરસ વર્ગ મીટર અથવા લગભગ સાત એકરમાં ફેલાયેલી છે. આનંદકુમારે ૪૦૦ કરોડનો મોંઘેરો પ્લોટ નજીકના સગાને નામે ખરીદ્યો હતો.

બે વર્ષની તપાસ બાદ આવકવેરા વિભાગને પાકા પુરાવા મળ્યા હતા અને તેને આધારે કાર્યવાહી કરીને તેમનો પ્લોટ તથા બીજી કેટલીક સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી હતી. આવકવેરા વિભાગે પ્લોટ જપ્ત કરતા પહેલાં બેનાની સંપત્તિના કેસમાં આનંદકુમારને નોટિસ પણ મોકલી હતી. ઉલ્લેખનીય છે કે, નોટબંધી સમયે પણ આનંદકુમાર ચર્ચામાં આવ્યા હતા. તે સમેય તેમના ખાતામાં ૧.૪૩ કરોડ રૂપિયા જમા થયા હતા. તે વખતે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ તેમના ખાતાની અને આવકના સ્ત્રોતની તપાસ હાથ ધરી હતી.

આ પહેલાં ૨૩ જૂને બસપા સુપ્રીમો માયાવતીએ ભાઈ આનંદકુમારને પાર્ટીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા ત્યાર બાદ ભત્રીજા આકાશ આનંદને બસપાનો નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યો હતો. બીજા ભત્રીજા રામજી ગૌતમને પણ નેશનલ કોઓર્ડિનેટર બનાવાયા હતા. આનંદ કુમાર કુલ ૧૨ કંપનીઓના ડિરેક્ટર હતા, આ તમામ કંપનીઓ આઈટીની રડાર હેઠળ છે. તપાસમાં એજન્સીને એવું માલૂમ પડયું કે ફેક્ટર ટેકનોલોજી, હોટલ લાઈબ્રેરી, સચી પ્રોપર્ટીસ, ડીઆ રિયલ્ટર્સ અને ઈશા પ્રોપર્ટી જેવી પાંચ કંપનીઓને નામે કરોડો રૂપિયા ભેગા કરવામાં આવ્યાં હતા.

એક સમયે આનંદકુમાર નોઇડા પ્રાધિકરણમાં ક્લાર્કની નોકરી કરતા હતા, પરંતુ ૨૦૦૭માં માયાવતી સરકાર આવ્યા બાદ આનંદકુમારના નસીબનું પાંદડું ફરી ગયું હતું અને તેમની સંપત્તિમાં રોકેટ ગતિથી વધારો થયો હતો. આનંદકુમારે કરોડોની લોન લેવા માટે કહેવાતી ૪૯ કંપનીઓ ખોલી હતી. ૨૦૦૭માં આનંદ કુમારની સંપત્તિ ૭.૧ કરોડ હતી, જે ૨૦૧૪ના અંત સુધીમાં ૧૮ હજાર ટકાના વધારા સાથે અધધ ૧,૩૧૬ કરોડ થઈ ગઈ હતી.

આનંદ પર નકલી કંપનીઓ બનાવીને કરોડો રૂપિયાની લોન લેવાનો પણ આરોપ લાગ્યો હતો. તે ઉપરાત આનંદ પર રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને કરોડોનો નફો રળવાનો પણ આરોપ છે. આનંદકુમારની સામે ઈડી અને આવકવેરા વિભાગની સંયુક્ત તપાસ ચાલી રહી છે. નોટબંધી વખતે આનંદકુમાર પોતાના ખાતામાં ૧.૪૩ કરોડ જમા કરાવીને સુરક્ષા એજન્સીઓને નજરે ચડયા હતા. તપાસનીશ એજન્સીઓ તેમના ઘર અને ઓફિસોમાં દરોડા પાડી ચૂકી છે.