શિવસેનામાં જોડાયા બાદ પ્રિયંકા ચતુર્વેદી: મહિલાઓના સમ્માન માટે કૉંગ્રેસ છોડ્યું

નવી દિલ્હી: કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને શિવસેનામાં જોડાઈ ગયાં છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી જોઈન કરી હોવાની જાહેરાત કરી. તેમણે તેમને પ્રાથમિક સદસ્યતા પણ અપાવી. પ્રિયંકાએ શિવસેના જોઈન કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેનો આભાર વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું કે, ‘શિવેસનામાં સામેલ થતા અગાઉ મેં તેના ઉપર ઘણું વિચાર્યું છે. મેં મહિલાઓના સન્માન માટે કોંગ્રેસ છોડી છે, કોંગ્રેસે મારું ક્યારેય સન્માન કર્યું નથી. મેં મથુરાથી ટિકિટ માગી ન હતી કે ટિકિટ માટે પાર્ટી છોડી નથી, પણ ગેરવર્તણૂંકથી નારાજ થઈને પાર્ટી છોડી છે.’

પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા અને પાર્ટીના મીડિયા સેલના સંયોજક પદેથી રાજીનામું આપી દીધુ હતું. તેમણે પોતાના રાજીનામા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મોકલાવ્યાં હતાં.

અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે પ્રિયંકા ચતુર્વેદી આજે શિવસેનામાં જોડાશે. 17 એપ્રિલના રોજ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની સાથે ગેરવર્તણૂંક કરનારા મથુરાના કેટલાક પાર્ટી કાર્યકરો વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવાનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે આવા લોકોને પ્રાથમિકતા અપાય તે દુ:ખની વાત છે.

પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, “ખૂબ જ દુ:ખની વાત છે કે પાર્ટી લોહી પરસેવો વહાવીને કામ કરનારા લોકોની જગ્યાએ મારપીટ કરનારા ગુંડાઓને વધુ પ્રાથમિકતા આપે છે. પાર્ટી માટે મેં અભદ્ર ભાષાથી લઈને મારપીટ સહન કરી, પરંતુ આમ છતાં જે લોકોએ મને પાર્ટીની અંદર જ ધમકી આપી, તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી ન થઈ, તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.” પ્રિયંકા રાફેલ મામલે પત્રકાર પરિષદ કરવા માટે મથુરામાં હતાં અને ત્યાં પાર્ટીના જ કેટલાક કાર્યકરોએ તેમની સાથે કથિત રીતે ગેરવર્તણૂંક કરી હતી. તેમની ફરિયાદ પર આ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. હવે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું કે કાર્યકર્તાઓ દ્વારા દુ:ખ વ્યક્ત કરાયા બાદ તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવામાં આવી છે. આ પગલાંથી નારાજ પ્રિયંકાએ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હતો.