CJI દીપક મિશ્રાના નિવાસસ્થાન બહાર રાહ જોતાં રહ્યાં PM સચીવ નૃપેન્દ્ર મિશ્રા…

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટના 4 જજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા આંતરિક મતભેદ બહાર આવ્યાંની ઐતિહાસિક ઘટનાના પડઘા પડ્યાં છે. જેમાં ગઇકાલ અને આજે પણ રાજધાનીના ઉચ્ચસ્તરીય વર્તુળોમાં હલચલ જોવા મળી છે. સીજેઆઈ દીપક મિશ્રા પર શાબ્દિક હુમલા બાદ સમાધાનની કોશિશો તેજ બની છે. આજે પીએમ નરેન્દ્ર મોદીના પ્રધાન સચીવ નૃપેન્દ્ર મિશ્ર સીજેઆઈ દીપક મિશ્રાના નિવાસસ્થાને પહોંચી તેમની સાથે મુલાકાતનો પ્રયત્ન કરતાં નજરે પડ્યાં હતાં.

જોકે મીડિયા રીપોર્ટ પ્રમાણે નૃપેન્દ્ર મિશ્ર લગભગ પાંચ મિનિટ સુધી સીજેઆઈ દીપક મિશ્રાના નિવાસસ્થાનની બહાર ઊભાં રહ્યાં હતાં. પરંતુ મુલાકાત થઇ શકી ન હતી. અન્ય ઘટનાક્રમમાં એટોર્ની જનરલ કે કે વેણૂગોપાલે જણાવ્યું હતું કે આ મામલાને યોગ્યપણે ઉકેલ આવી જવાની આશા છે.

ગઇકાલે કે એટોર્ની જનરલ કે. વેણૂગોપાલ અને સીજેઆઇ દીપક મિશ્રાએ પૂરા વિવાદ પર ચર્ચા કરી હતી. દેશના અને સુપ્રીમકોર્ટના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી કે સુપ્રીમ કોર્ટના ચાર ચાર જજ એકસાથે મીડિયાને બોલાવે અને સુપ્રીમ કોર્ટના આંતરિક વિખવાદોની માહિતી સામે ચાલીને આપે. ગઇકાલે જજ જે ચેલામેશ્વર, બી મદન લોકુર, કુરિયન જૉસેફ અને રંજન ગોગોઇએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સીજેઆઈ દીપક મિશ્રા પર પોતાની પસંદના જજો અને બેન્ચોના મહત્ત્વપૂર્ણ કેસ સોંપવાનો આક્ષેપ લગાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પણ આજે સાંજે બેઠક બોલાવી છે ત્યાર બાદ પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભમાં વાત કરવા પ્રેસ કોન્ફરન્સ બોલાવાઇ છે. 4 જજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ અને અને સીજેઆઈ પર આક્ષેપોને લઇને બાર એસોસિએશન પ્રેસિડન્ટ વિકાસ સિંહે કહ્યું કે, જો તેઓ મીડિયા સાથે વાત કરવા આવ્યાં જ હતાં તો તેમણે નક્કર વાતો કહેવી જોઇતી હતી. ફક્ત દેશવાસીઓના દિમાગમાં શંકા પેદા કરવી ન્યાયતંત્રના હિતમાં નથી. જજોએ પોતાની પ્રેસ કોન્ફરન્સની યોજના સારી રીતે તૈયાર કરી ન હતી. તેઓએ જજ લોયા વિશે ફણ કોઇ વાત કહી નથી.