દેશ સુરક્ષિત હાથોમાં છે, દેશને ઝૂકવા નહીં દઉઃં વડાપ્રધાન મોદી

ચુૂરુ(રાજસ્થાન): લોકસભા ચૂંટણી 2019 ને લઈને ભારતના વડાપ્રધાન મોદી અલગ અલગ જગ્યાએ રેલી કરી રહ્યાં છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના ચુરુમાં રેલીને સંબોધન કર્યું હતું. મહત્વનું છે કે પાકિસ્તાનમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ આ વડાપ્રધાન મોદીની પ્રથમ રેલી છે.

વડાપ્રધાન મોદીએ ચુરુની રેલીમાં કહ્યું કે આજે દેશનો મીજાજ અલગ છે. તેમણે કહ્યું કે હું દેશને વિશ્વાસ અપાવવા માંગુ છું કે દેશ સુરક્ષિત હાથોમાં છે. વડાપ્રધાને કહ્યું કે 2014 માં મેં કહ્યું હતું કે “સોગંધ મુજે ઈસ મિટ્ટી કી, મેં દેશ નહી ઝુકને દુંગા. વડાપ્રધાને કહ્યું કે દેશથી મોટું કશું હોતું નથી. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતાનું પઠન કર્યું.

વડાપ્રધાને કહ્યું ગઈકાલે જ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકને દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે મેં પૂર્વ સૈનિકોને OROP આપવાનું વચન આપ્યું હતું. અમારી સરકાર અત્યારસુધી 35 હજાર કરોડ રુપિયા વિતરિત કરી ચૂકી છે. તેમણે કહ્યું કે અમારા માટે દળથી મોટો દેશ છે અને અમે દેશની સેવામાં લાગેલા છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકારે ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી મોટી યોજના લાગુ કરી છે. આનાથી તમામ નાના ખેડુતોના ખાતામાં 6000 રુપિયા વાર્ષિક જમા થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે હજી સુધી કેન્દ્ર સરકારને લાભાર્થી ખેડુતોનું લિસ્ટ મોકલ્યું નથી એટલા માટે અહીંયાના ખેડુતો આ યોજનાના લાભથી હજી વંચીત છે.

વડાપ્રધાને કહ્યું કે અમે રાજસ્થાનની સરકારની પાછળ લાગેલા છીએ અને તેમની પાસેથી લાભાર્થી ખેડુતોનું લિસ્ટ લઈને રહીશું, જેથી ખેડુતોના ખાતામાં અમે પૈસા પહોંચાડી શકીએ. આનાથી આવનારા દસ વર્ષમાં ખેડુતોના ખાતામાં 7.5 લાખ કરોડ રુપિયા આપવામાં આવશે. આ યોજનાથી આશરે 12 કરોડ જેટલા ખેડુત પરિવારોને સીધો લાભ મળશે. તેમણે કહ્યું કે જ્યારે અમે યોજનાની જાહેરાત કરી તો લોકો કહેતા હતા કે આ અશક્ય છે પરંતુ હવે આ શક્ય છે કારણ કે આ મોદી સરકાર છે.