મોદી 16મીએ સોનિયા ગાંધીના હોમગ્રાઉન્ડ ખાતેથી કરશે નવનિર્મિત હાઈવેનું લોકાર્પણ

નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બરે રાયબરેલીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-232ના નવનિર્મિત રાયબરેલી-ફતેહપુર-બાંદા સેક્શનનું ઉદઘાટન કરશે. 133 કિલોમીટર લાંબો આ હાઈવે પ્રોજેક્ટ 558 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ હાઇવે ઉત્તરપ્રદેશના બુન્દેલખંડ, ચિત્રકૂટ, લખનૌ અને પૂર્વાંચલને જોડતી એક મહત્વપૂર્ણ લિંક છે. આ ધોરીમાર્ગ પર કન્સ્ટ્રક્શન માલસામાનની હેરફેર કરતા ટ્રકોનો ભારે ટ્રાફિક રહે છે. જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિકારીએ 2013માં હાઇવેનું કાર્ય સંભાળ્યું તે સમયે આ હાઈવે ખૂબજ જર્જરિત હાલતમાં હતો. તે સમયે બાંદાથી રાયબરેલી જવા માટે 7 થી 8 કલાકનો સમય લાગતો હતો. સમારકામ પછી, આ બે શહેરો વચ્ચે મુસાફરીનો સમય હવે ઘટીને દોઢ કલાકનો થઈ ગયો છે.

આ ધોરીમાર્ગ બે લેન ધરાવે છે અને રસ્તાની બંન્ને તરફ ફુટપાથ બનાવવામાં આવી છે. બાંદા જીલ્લાના શહેરી વિસ્તારમાં આ હાઇવેને ફોર લેન બનાવવામાં આવ્યો છે. આ હાઇવે પર બે બાય-પાસ પણ બનાવવામાં આવ્યાં છે. પ્રથમ બાય-પાસ 11 કિલોમીટર લાંબો છે, જે ફતેહપુર જાય છે, અને બીજો પાંચ કિલોમીટર લાંબો છે, જે રાયબરેલીના લાલગંજ તરફ જાય છે. લાલગંજ અને ફતેહપુરમાં બે આરઓબી (રેલ્વે લાઈન ઉપરનો બ્રિજ) પણ બાંધવામાં આવ્યાં છે. આ બન્ને બ્રિજ નવી ટેકનોલોજી સાથે બાંધવામાં આવ્યા છે, જેથી દિલ્હી-કોલકાતા અતિ વ્યસ્ત રેલ્વે ટ્રંક રૂટ પર ટ્રાફિક જામ ન થાય.

બાંદા અને રાયબરેલી વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો થવાની સાથે, હાઇવે આ શહેરોમાં ટ્રાફિક જામથી પણ રાહત આપશે અને પ્રદૂષણમાં ઘટાડો થશે. તેમજ બળતણ વપરાશ પણ ઘટાડો થશે. ધોરીમાર્ગનું ઉદઘાટન આ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરશે અને રાજ્યના પૂર્વ અને બુંદેલખંડ વિસ્તારોમાં સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી ડિસેમ્બરે ગાંધી-નહેરુ પરિવારના ગઢ રાયબરેલીમાં પહેલી રેલી સંબોધિત કરવાના છે. રાયબરેલી બેઠકનું પ્રતિનિધિત્વ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી કરી રહ્યા છે. પીએમ મોદીની રાયબરેલી રેલી વચ્ચે અહેવાલો આવી રહ્યા છે કે ભાજપ આમ આદમી પાર્ટીના બળવાખોર નેતા કુમાર વિશ્વાસ અથવા સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર દિનેશસિંહને 2019ની લોકસભાની ચૂંટણીમાં રાયબરેલી બેઠક પરથી કોંગ્રસના ઉમેદવાર સામે ઉતારે તેવી શક્યતા છે.