વર્ષ 2025 સુધીમાં ભારતને TB રોગથી મુક્ત કરવાનો સંકલ્પ: પીએમ મોદી

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત શિખર સમ્મેલનમાં ભારતને TB રોગથી મુક્ત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ સમ્મેલનનું આયોજન સ્વાસ્થ્ય મંત્રાલય, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રિય કાર્યાલય અને સ્ટોપ ટીબીના સહયોગથી કરવામાં આવ્યું છે.આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 25 વર્ષ પહેલાં TBને કટોકટીના રુપમાં જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી ટીબી નાબુદ કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભારત પણ છેલ્લા ઘણાં વર્ષોથી ટીબી સામે લડાઈ લડી રહ્યું છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, ટીબી નાબુદી માટે હાલના સમયમાં જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે તેને નવેસરથી શરુ કરવાની જરુર છે.

વડાપ્રધાને કહ્યું કે, આજની આ સમિટ ટીબીને નાબુદ કરવા એક નવો અધ્યાય બની રહેશે. દેશના સ્વાસ્થ્ય ઉપર ટીબી જે દુષ્પ્રભાવ કરી રહ્યું છે, એ જોતાં તેની વિરુદ્ધ લડાઈ અનિવાર્ય બની જાય છે. ભારતમાં ટીબીની અસર સૌથી વધુ જોવા મળે છે. તેમાં પણ વિશેષ કરીને ગરીબ વર્ગના લોકો જલદી ટીબીનો ભોગ બને છે.

પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વમાંથી ટીબી નાબૂદ કરવા વર્ષ 2030નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ ભારતને વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું અમારું લક્ષ્ય છે. આ લડાઈમાં અમે ખાનગી વિભાગોનો પણ સહયોગ મેળવી રહ્યાં છીએ. અમે નવી રણનીતિ સાથે આ તરફ આગળ વધી રહ્યાં છીએ.