નેપાળના જનકપુર પહોંચ્યા પીએમ મોદી, જાણો તેમના પ્રવાસની ખાસ વાત

કાઠમાંડૂ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો નેપાળ પ્રવાસ આજથી શરુ થયો છે. પીએમ મોદી સવારે 10:30 કલાકે નેપાળના જનકપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ જાનકી મંદિરે જવા રવાના થયા હતા. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો આ ત્રીજો નેપાળ પ્રવાસ છે. પીએમ મોદી અહીં જનકપુર-અયોધ્યા બસ સર્વિસનો પણ શુભારંભ કરાવશે.ભારત અને નેપાળના વડાપ્રધાન રામાયણ સર્કિટમના રુટ પર બસ સેવાનો શુભારંભ કરાવશે. આ સેવા જનકપુરને અયોધ્યા સાથે જોડશે. મોદી સરકારની સ્વદેશ દર્શન યોજનાનો 13 સર્કિટમાં સમાવેશ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી જનકપુર જનારા પ્રથમ વડાપ્રધાન છે.

જાનકી મંદિરના પુજારીએ જણાવ્યું કે, મોદી પહેલાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી, જ્ઞાની જૈલ સિંહ અને પ્રણવ મુખરજી જાનકી મંદિરે દર્શન કરી ચૂક્યા છે. જાનકી મંદિર બાદ પીએમ મોદી શનિવારે ઉત્તર-પશ્ચિમ નેપાળના મસ્તંગ જિલ્લામાં આવેલા મુક્તિનાથ મંદિરે દર્શન કરવા જશે.

પીએમ મોદીના નેપાળ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે અનેક નવા કરાર થવાની શક્યતા છે. જેમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટની ક્ષમતા 900 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાની છે. આ પ્રોજેક્ટ આગામી 5 વર્ષમાં પૂરો કરવામાં આવશે.

મહત્વનું છે કે, આ પ્રોજેક્ટમાંથી વર્લ્ડ બેન્કે હાથ ખેંચી લીધા પછી ભારતીય કંપનીને તેના કંસ્ટ્રક્શનની જવાબદારી મળી છે. નેપાળ સરકારે તાજેતરમાં જ ભારતીય કંપનીને વીજળી ઉત્પાદનનું લાયસન્સ આપ્યું છે.