2014થી 2018: જાણો ચાર વર્ષમાં કેટલી વધી પીએમ મોદીની સંપત્તિ

નવી દિલ્હી- વડાપ્રધાન કાર્યાલય દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની સંપત્તિનું વિવરણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આશરે સ્થાવર અને જંગમ કુલ મળીને રુપિયા 2.28 કરોડ જેટલી સંપત્તિ છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી વખતે તેમની કુલ સંપત્તિ આશરે રુપિયા 1.5 કરોડ જેટલી હતી. ગત ચાર વર્ષમાં પીએમની સંપત્તિમાં રુપિયા 75 લાખનો વધારો થયો છે.

વર્ષ 2014માં લોકસભા ચૂંટણી વખતે ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીએ તેમના સોગંદનામામાં સંપત્તિનું વિવરણ રજૂ કર્યું હતું. જેના આધારે વર્ષ 2014થી 2018 સુધીમાં વડાપ્રધાનની સંપત્તિમાં કેટલો ફેરફાર થયો તે જોઈએ.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પાસે સ્થાવર અને જંગમ મળીને કુલ 1 કરોડ 51 લાખ 57 હજાર 582 રુપિયા હતા. જે હવે વર્ષ 2018માં આશરે 2.28 કરોડ રુપિયા છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પાસે 29 હજાર રુપિયાની રોકડ હતી. જે વર્ષ 2018માં 48 હજાર 944 રુપિયાની રોકડ છે.

વર્ષ 2014માં પોસ્ટલ સેવિંગમાં રુપિયા 4 લાખ 34 હજાર 31 રુપિયા હતા. આજે 2018માં SBI બેન્કમાં કુલ 11 લાખ 29 હજાર 690 રુપિયા જમા છે. ફિક્સ ડિપોઝીટની વાત કરીએ તો, નરેન્દ્ર મોદી પાસે 2014માં 44 લાખ 23 હજાર 383 રુપિયાની FD હતી. આજે 2018માં રુપિયા 1 કરોડ 7 લાખ 96 હજાર 288 રુપિયાની FD છે.

2014માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ડિપોઝીટ પેટે રુપિયા 20 હજાર હતા. જે 2018માં પણ 20 હજાર રુપિયા જ છે. તેમાં કોઈપણ વધારો નથી. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પાસે 1 લાખ 35 હજારની કિંમતની ગોલ્ડ જ્વેલરી હતી. જે 2018માં રુપિયા 1 લાખ 38ની કિંમતની છે.

2014માં વ્યાજના રિફંડના રુપે મળ્યા કુલ 1 લાખ 15 હજાર 468 રુપિયા. આજે વર્ષ 2018માં 1 લાખ 59 હજાર 281 રુપિયા LICના રુપમાં છે. પીએમ નરેન્દ્ર મોદીના નામે કોઈપણ ટુ વ્હીલર અને કાર રજીસ્ટર્ડ નથી. આ ઉપરાંત જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે કોઈપણ પ્રકારની સોનાની ખરીદી પણ નથી કરી.

જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ સ્થાવર અને જંગમ મિલકતની વાત કરવામાં આવે તો, એ લગભગ 2.28 કરોડ રુપિયા છે. જેમાં આશરે એક કરોડ 28 લાખ રુપિયાની જંગમ અને કેટલીક સંપત્તિ ગાંધીનગરમાં છે. વર્ષ 2002માં નરેન્દ્ર મોદીએ એક લાખ રુપિયાની કિંમતથી 3531.45 સ્કવેર ફીટની સંપત્તિ ખરીદી હતી.