અસમમાં પીએમે કર્યો નાગરિકતા બિલનો જોરદાર બચાવ, કોંગ્રેસને સાણસામાં લીધી

0
1463

ગુવાહાટી- લોકસભાની ચૂંટણીપ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના નોર્થ ઈસ્ટના પ્રવાસે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસમના ગુવાહાટી ખાતે પહોંચ્યાં હતાં. ગુવાહાટીમાં વડાપ્રધાને અનેક યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે એક રેલીને સંબોધિત કરતા પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે એનઆરસી અને નાગરિકતા બિલ મામલે ઉત્તર પૂર્વમાં લોકો વચ્ચે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઉત્તર પૂર્વના રાજ્યોના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ત્રિપુરાનાં અગરત્તલામાં મહારાજ વીર વિક્રમ કિશોરનું અનાવરણ પણ કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે જે NRCને અમલમાં લાવવા માટે જુની સરકાર બચી રહી હતી તેની ઉપર અમે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કાર્યવાહી કરી છે. અમારો પ્રયત્ન છે કે નક્કી સમયમાં આ પ્રક્રિયાને પુરી કરવામાં આવે. NRCની સાથે-સાથે હું એ પણ કહેવા આવ્યો છું કે નાગરિકતા સાથે જોડાયેલા કાનુનને લઈને ઘણો મોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે નાગરિકતા સંશોધનનો વિષય ફક્ત અસમ કે નોર્થ ઇસ્ટ સાથે જોડાયેલ નથી પણ દેશના અનેક ભાગોમાં મા ભારતી પર આસ્થા રાખનાર એવા સંતાનો છે, જેમણે પોતાનો જીવ બચાવીને ભારત આવવું પડ્યું છે. પછી તે પાકિસ્તાનથી આવ્યા હોય, અફઘાનિસ્તાનથી આવ્યા હોય કે બાંગ્લાદેશથી. આ 1947 પહેલા ભારતનો ભાગ હતાં. આપણાથી અલગ થયેલા દેશોમાં જે અલ્પસંખ્યક એટલે કે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઇસાઈ ત્યાં રહી ગયા હતા તેમને સંરક્ષણ આપવો અમારી ફરજ છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે અસમ અને ઉત્તર પૂર્વના લોકો સાથે મારે વિશેષ લગાવ છે. તમારો સ્નેહ અને આર્શીવાદ મારા માટે મહત્વપૂર્ણ છે. જેટલો અધિકાર તમારો મારા ઉપર છે તેટલું જ દાયિત્વ મારું પણ તમારા પ્રત્યે છે. આ સાથે પીએમે કહ્યું હતું કે અસમને બર્બાદ થવા દઈશું નહીં. જે લોકોએ અસમને ચાર રસ્તા પર લાવીને ઉભા રાખ્યું છે તેની સામે અમે લડીશું. દેશની એકતા રહેવી જોઈએ, અસમ બચવું જોઈએ.