PM મોદીના પ્રહાર: ‘કોંગ્રેસની વિચારધારા હજી પણ કટોકટીના સમય જેવી’

મુંબઈ- દેશમાં લાગૂ કરવામાં આવેલી ઈમરજન્સીને 43 વર્ષ પુરા થવા પર મુબઈમાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. જેમાં પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. પીએમના ટાર્ગેટ પર કોંગ્રેસ ઓછી અને ગાંધી પરિવાર વધુ રહ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, ‘દેશમાં જ્યારે એક પરિવારને પોતાના શાસન પર ખતરો જણાયો ત્યારે તેમણે દેશને મુસીબતમાં મુક્યો છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, ઈમરજન્સી કોંગ્રેસનું પાપ છે અને તેને દેશ ક્યારેય ભૂલી નહીં શકે’.પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશ…

  • ઈમરજન્સી કોંગ્રેસનું પાપ છે અને આ પાપ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું. આજેપણ કોંગ્રેસની માનસિકતામાં કોઈ ફેરફાર થયો નથી
  • ઈમરજન્સીનું પાપ કરનારી કોંગ્રેસ પાર્ટી અને તે સમયની સરકારની નિંદા કરવા અમે કાળો દિવસ નથી મનાવી રહ્યાં. અમે દેશની વર્તમાન અને ભાવષ્યની પેઢીને જાગરુક બનાવવા માગીએ છીએ. અમે સ્વયંને બંધારણ પ્રત્યે સભાન રાખવા કાળો દિવસ યાદ કરીએ છીએ
  • જેણે કોઈ દિવસ પરાધીનતા જોઈ નથી, અથવા જાણવા પ્રયાસ કર્યો નથી, ઈતિહાસમાંથી પણ આ અંગે કંઈ શિખ્યા નથી, તેમની સામે આઝાદીની ગમે તેટલી વાતો કરવામાં આવે તો પણ તેઓ અનુભવ કરી શકતા નથી
  • એક પરિવાર માટે બંધારણનો દુરુપયોગ કરવામાં આવ્યો, દરેક વ્યક્તિને મીસા કાયદાનો ડર દેખાડવામાં આવતો હતો, સત્તાસુખ માટે દેશને જેલ બનાવવામાં આવી
  • સ્વયં સુખ માટે પોતાની જ પાર્ટીનો ભોગ આપ્યો. તે દિવસે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, તેમના માટે લોકતંત્ર, બંધારણ, નિયમ, કાયદો અને પરંપરા બધું જ અસ્થાને છે
  • બંધારણને સમર્પિત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, દેશની ન્યાય વ્યવસ્થાને ભયભીત કરવામાં આવી. મહાભિયોગના નામે ન્યાયાધિશોને ડરાવવામાં આવ્યા. એક પરિવારના લાભ માટે દેશની ન્યાયપાલિકાની ગરિમા પર આઘાત કરવામાં આવ્યો
  • પરિવાર ભક્તિ માટે દેશને જેલ બનાવ્યો. પરિવારને જે અનુકુળ હતું તે બધું જ કરવામાં આવ્યું. પરિવારને સમર્પિત લોકોની પાંચેય આંગળીઓ ઘીમાં હતી
  • દેશમાં પંચાયતથી સંસદ સુધી એક જ પક્ષનો કબજો હતો. કોંગ્રેસના લોકો કહેતા હતા કે, અમે જે ઈચ્છીએ તે કરી શકીએ છીએ કારણકે અમે નામદાર છીએ
  • કોંગ્રેસની માનસિકતામાં હજી પણ કોઈ જ ફેરફાર થયો નથી. અને ઈમરજન્સીના સમયની માનસિકતા જ જોવા મળે છે. કોંગ્રેસ 400 બેઠક પરથી 44 બેઠક પર આવી ગઈ તો EVM પર સવાલો ઉઠાવ્યા. ચૂંટણી પંચ ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા. આ એક પરિવાર અને પક્ષની વિચારધારા છે