પછાત જિલ્લાઓમાં કરવામાં આવે યુવા અધિકારીઓની નિયુક્તિ: પીએમ મોદી

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સમ્મેલનનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આપણું સંવિધાન વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. પીએમ મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે દેશમાં દરેક વાત પર રાજનીતિ કરવામાં આવતી હતી. હવે સમય બદલાયો છે. ફક્ત મોરચો કાઢવાથી જનતાનું સમર્થન મળતું નથી. આજે દેશનો સામાન્ય માણસ એજ વિચારે છે કે, મારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે કોણ જવાબદાર છે.દેશના 115 પછાત જિલ્લાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, જો આ જિલ્લાઓનો વિકાસ થઈ જશે તો દેશનો વિકાસ આપમેળે થઈ જશે. કોઈ રાજ્યના કેટલાંક જિલ્લા સારું કામ કરી રહ્યાં છે, એનો અર્થ એ છે કે, પ્રદેશમાં સારું કરવાની ક્ષમતા છે. પરંતુ પછાત રહી ગયેલા વિસ્તાર ઉપર પણ ધ્યાન આપવું પડશે.

રાજ્ય અથવા ભારત સરકાર જ્યારે લક્ષ્ય નિર્ધારિત કરે છે ત્યારે સરળતાથી પરિણામ આપનારા પર ભાર મુકવામાં આવે છે. આ કારણોથી જે સારું કરે છે તે વધુ ઝડપથી આગળ નિકળી જાય છે. પરંતુ જે પાછળ રહી જાય છે તે પછઆત રહી જાય છે.

પછાત જિલ્લામાં યુવા અધિકારીઓની નિયુક્તિ

પીએમ મોદીએ કહ્યું કે, સામાન્ય રીતે જિલ્લા કલેક્ટરની સરેરાશ નોકરી 28થી 30 વર્ષની હોય છે. પરંતુ ઘણીવાર પછાત જિલ્લાઓમાં મોટી ઉંમરના ડીએમને નિયુક્ત કરવામાં આવે છે. હવે એ સમય આવી ગયો છે જ્યારે આપણે નક્કી કરવું પડશે કે, દેશના 115 પછાત જિલ્લાઓમાં નાની ઉંમરના એવા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવે જેમનામાં ઉત્સાહ હોય અને જે કંઈક વિશેષ કરી બતાવવા સક્ષમ હોય. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, જિલ્લાનો વિકાસ ન થવો એ બંધારણની નહીં પણ આપણા પ્રયાસોની ઉણપ દર્શાવે છે.