SP-BSP ગઠબંધન પર પીએમનો કટાક્ષ, કહ્યું એકબીજાને પસંદ નહીં કરનારા ગળે મળી રહ્યાં છે

લખનઉ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઉત્તરપ્રદેશ પ્રવાસ દરમિયાન પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો ઉપરાંત બીજી અનેક યોજનાઓની આધઆર શિલા રાખી હતી. જોકે જાણકારોનું માનીએ તો વડાપ્રધાને 2019ની લોકસભાની ચૂંટણી માટે પ્રચાર અહીંથી જ શરુ કરી દીધો છે. એક તરફ વડાપ્રધાને અનેક યોજનાઓ શરુ કરી તો બીજી તરફ વડાપ્રધાન મહાગઠબંધન ઉપર પ્રહાર કરવાનું ચુક્યા નહીં. સપા-બસપા ગઠબંધન પર કટાક્ષ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘એક સમયે જેઓ એક-બીજાને જોવા પણ તૈયાર નહતા તેઓ આજે અસ્તિત્વ બચાવવા ગળે મળી રહ્યાં છે’.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બાબા સાહેબ આંબેડકર અને રામ મોહનના નામનો ઉપયોગ કરીને ઉત્તરપ્રદેશની આ બન્ને રાજકીય પાર્ટીઓએ ફક્ત જનતા સાથે રાજકારણ જ રમ્યું છે. ગરીબોના કલ્યાણ સાથે આ લોકોને કંઈ જ લેવા-દેવા નથી. મત મેળવવા સમયે તેમને ગરીબ, દલિત,પછાત યાદ આવે છે પણ કોઈ વખત તેમનું ભલું કરવા આ લોકોએ ગંભીરતાથી ક્યારેય વિચાર્યું નથી.

સપા-બસપા ગઠબંધન પર પીએ મોદીએ કટાક્ષ કર્યો કે, જે લોકો એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી તેઓ હવે એક સાથે છે. જે લોકો જામીન પર છુટ્યા છે, તેવા પરિવારના લોકો જનતાના વિકાસને રોકવા પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, જે દિવસે ગરીબ, ખેડૂત, પછાત વર્ગ મજબૂત બનશે તે દિવસે આ લોકોની રાજકારણની દુકાનો હંમેશ માટે બંધ થઈ જશે. તમામ પરિવારવાદી પાર્ટીઓ સાથે મળીને જનતાના વિકાસને રોકવા પ્રયાસ કરી રહી છે.