એક તરફ સંસદમાં પવાર-મોદી મળ્યાઃ બીજી તરફ કોંગ્રેસમાં થયું મંથન

નવી દિલ્હી: એક તરફ જ્યાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકીય ધમાલ ચાલી રહી છે, તો આ તરફ એનસીપી પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન મોદી સાથે સંસદમાં મુલાકાત કરી. જોકે, બંન્ને વચ્ચે મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા મુદ્દે વાતચીત થઈ. આ દરમ્યાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ ત્યાં હાજર હતાં.

તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-રાકાંપા-શિવસેનાની સરકાર બનવા મામલે બાજી હવે કેન્દ્રીય નેતાઓના હાથમાં પહોંચી છે. જેને લઈને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ અને મલ્લિકાર્જુન ખડગે સાથે કોંગ્રેસના મુખ્યાલય પર બેઠક મળી રહી છે.  આ બેઠકમાં બાલાસાહેબ થોરાટ, પૃથ્વીરાજ ચવ્હાણ અને નસીમ ખાન હાજર છે.

તો કોંગ્રેસ અનસીપીની મહારાષ્ટ્ર સમન્વય સમિતિની બેઠક આજે દિલ્હીમાં મળશે. આ બેઠક પછી શિવસેના નેતા સંજય રાઉત એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરશે.

શરદ પવારે પીએમ મોદીને પત્ર લખ્યો

શરદ પવારે પીએમ મોદીને પત્ર લખ્યો જેમાં તેમણે કહ્યું કે, અમે બે જિલ્લામાં ખેતીના પાકને થયેલા નુકસાનના આંકડા એક્ઠા કર્યા છે. આ ઉપરાંત અતિવૃષ્ટીને કારણે મહારાષ્ટ્રના અન્ય ભાગમાં નુકસાન થયુ છે જેમાં મરાઠવાડા અને વિદર્ભ પણ સામેલ છે. પત્રમાં આગળ લખ્યું કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને કારણે તમારો તાત્કાલિક હસ્તક્ષેપ જરૂરી છે. જો તમે મોટા પ્રમાણમાં રાહતના ઉપાય શરુ કરશો તો હું તમારો આભારી રહીશ.

શરદ પવાર અને પીએમ મોદીની મુલાકાત પહેલા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, અમે પણ શરદ પવારને અનુરોધ કર્યો હતો કે, તે રાજ્યની સ્થિતિ અંગે પીએમને જાણકારી આપે. તો બીજી તરફ મહારાષ્ટ્રના તમામ સાંસદો પણ પીએમ મોદીને મળીને રાજ્યના ખેડૂતોને શક્ય એટલી મદદ કરવા વિનંતી કરશે.

મહત્વનું છે કે, સંસદમા શિયાળુસત્ર ચાલી રહ્યું છે આ અગાઉ ખેડૂતોની સમસ્યાને લઈને કેટલાક પક્ષોએ રાજ્યપાલ ભગત સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રમાં એનસીપી,કોંગ્રેસ અને શિવસેના એક બીજાને ટેકોને આપીને સરકાર બનાવવાના પ્રયત્નમાં લાગ્યા છે. સાથે જ શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે, 5થી 6 દિવસની અંદરમાં મહારાષ્ટ્રમાં સરકાર બની જાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]