પીએમ મોદીએ દુનિયાની સૌથી મોટી હેલ્થકેર યોજના ‘આયુષ્માન ભારત’નો શુભારંભ કરાવ્યો

રાંચી (ઝારખંડ) – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં પ્રભાત તારા મેદાનસ્થિત યોજાયેલા સમારંભમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ‘આયુષ્માન ભારત’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.

આ યોજના અંતર્ગત દેશમાં દસ કરોડથી વધુ લોકોને પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમાનું કવચ પૂરું પાડવામાં આવશે. આયુષ્માન ભારતના સંકલ્પ સાથે આ યોજના આજથી જ અમલમાં મૂકવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, ‘આયુષ્માન ભારત’ યોજના વિશ્વમાં સરકાર-સંચાલિત સૌથી મોટી જન આરોગ્ય યોજના છે.

આ યોજનાથી દેશમાં 50 કરોડથી પણ વધુ લોકોને લાભ થવાનો છે. લાભાર્થીઓને આવશ્યક્તાના સમયે રોકડ રહિત (કેશલેસ) અને પેપરલેસ સેવા મળશે. આમ, આ યોજના નિશુલ્ક અને બાધારહિત છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય હોસ્પિટલમાં ઉપચાર કરાવનાર લાભાર્થીનો અંગત ખર્ચ ન્યૂનતમ બનાવવાનો અને યોજનામાં સામેલ થનાર પરિવારોને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવાનો છે. એમને હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન તથા ચિકિત્સા વખતે ગુણવત્તાપૂર્ણ સેવા પ્રદાન કરવાનો છે.

મોદીએ આ પ્રસંગે વિરાટ જનમેદનીને સંબોધિત કરતાં કહ્યું કે, તમે અમેરિકા, કેનેડા અને મેક્સિકો – આ ત્રણ દેશોની વસ્તીને ભેગી કરી દો તો જે સંખ્યા થાય એટલી સંખ્યા આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની થશે.

આયુષ્માન યોજનાની વિશેષતાઃ

– દેશમાં 50 કરોડથી વધુ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો આપનાર આ દુનિયાની સૌથી મોટી યોજના છે

– આ યોજના અંતર્ગત સેવાઓમાં હોસ્પિટલમાં સારવાર કરાવતા પહેલા તેમજ ત્યારબાદની 1,350 ટેસ્ટ્સ, ચિકિત્સા નિદાન તથા દવાઓની ઉપલબ્ધતાનો સમાવેશ કરાયો છે.

– લાભાર્થીને સેવાને આવરી લેતા નેટવર્કના માધ્યમથી કોઈ પણ તકલીફ વગર દેશભરમાં કોઈ પણ સ્થળે તબીબી સેવા પ્રાપ્ત થશે.

– પીએમ મોદીએ કહ્યું છે કે આયુષ્માન યોજનાથી દેશમાં શ્રીમંત લોકોની જેમ ગરીબ લોકોને પણ સારી, ગુણવત્તાવાળી તબીબી સેવાઓ મળશે.

– દુનિયાના કોઈ પણ દેશમાં સરકારના પૈસાથી આટલી મોટી યોજના અસ્તિત્વમાં નથી

– આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા સમગ્ર યુરોપિયન યુનિયનની કુલ વસ્તીની સમાન છે

– તમે 14555 – આ નંબર પર ફોન કરીને અથવા તમારી નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈને પણ આ યોજના વિશે જાણકારી મેળવી શકો છો. ઉક્ત નંબર પરથી જાણી શકાય છે કે તમે યોજના માટે પાત્ર છો કે નહીં.

– વીમાની પાંચ લાખ રૂપિયા સુધીની રકમમાં હોસ્પિટલમાં એડમિટ થવા ઉપરાંત તબીબી જાંચ, દવાઓ તથા એડમિટ થતા પૂર્વેનો ખર્ચ તથા સારવાર પૂરી થાય ત્યાં સુધીનો ખર્ચ સામેલ છે

– ધારો કે વીમાધારકને પહેલાથી કોઈ બીમારી હશે તો એ બીમારીનો પણ ખર્ચ આ યોજનામાં સામેલ થશે.

– આ યોજના એટલી વ્યાપક છે કે કેન્સર, હૃદયની બીમારી, કિડની તથા લીવરની બીમારી, ડાયાબિટીસ સહિત 1300થી વધારે બીમારીઓની સારવાર આમાં સામેલ છે.