4 વર્ષમાં 5 ઈન્ટરનેશનલ ઈવેન્ટ, વૈશ્વિક ફલક પર છવાયાં પીએમ મોદી

નવી દિલ્હી- ભારતના પ્રજાસત્તાક દિને આસિયાન દેશોના પ્રમુખ નેતાઓ ભારતના અતિથિ બન્યાં તે ભારત માટે ઘણાં અર્થમાં ગૌરવની વાત છે. આસિયાન દેશો સાથે ભારતની યોજાનારી બેઠક 25 વર્ષ જૂના સંબંધોને વધુ મજબૂત બનાવશે.આ પહેલાં વડાપ્રાધાન નરેન્દ્ર મોદી દાવોસમાં ભાષણ આપીને વૈશ્વિક વાહવાહી મેળવી ચૂક્યાં છે. દાવોસમાં પીએમ મોદીએ 60થી વધુ દેશના નેતાઓ સામે વર્તમાન વિશ્વના ત્રણ મુખ્ય પડકારો રજૂ કર્યા હતાં. જેમાં જળવાયુ પરિવર્તન, આતંકવાદ અને વૈશ્વિકરણને બદલે આત્મકેન્દ્રિકરણ તરફ આગળ વધી રહેલા વિશ્વ અંગેની સમસ્યા વૈશ્વિક મંચ પર રજૂ કરી હતી. અને હવે પીએમ મોદી ભારત-આસિયાન બેઠકની યજમાની કરી રહ્યાં છે.

વર્ષ 2014માં પીએમ બન્યા બાદથી નરેન્દ્ર મોદી ઓછામાં ઓછા 5 એવા ઈવેન્ટનું આયોજન કરી ચુક્યાં છે, જેણે વિશ્વને ભારતની તાકાત અને ભારતના મહત્વનો પરિચય કરાવ્યો છે. જાણીએ ક્યા છે એ પાંચ ઈવેન્ટ.

વર્ષ 2014: શપથ ગ્રહણમાં સાર્ક દેશોના પ્રમુખોને નિમંત્રણ

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ મેળવ્યા બાદ પીએમના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના પ્રમુખોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મોરેશિયસ અને માલદિવના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ સમયે પીએમ મોદીએ પાકિસ્તાન સાથે પણ સંબંધો સુધારવા મિત્રતાનો હાથ લંબાવ્યો હતો.

વર્ષ 2015: અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ ઓબામા ભારત આવ્યાં

જાન્યુઆરી 2015માં અમેરિકાના તત્કાલિન પ્રેસિડેન્ટ બરાક ઓબામા ભારત પ્રવાસે આવ્યા હતા. ઓબામાના પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે અટકી પડેલા પરમાણુ કરાર અંગે પણ સમાધાન લાવવામાં પીએમ મોદી સફળ રહ્યાં હતાં. એટલું જ નહીં ઓબામાએ કહ્યું કે, અમેરિકા ભારતને સંયુક્ત રાષ્ટ્રનું પ્રમુખ સભ્ય પણ માને છે. વધુમાં ઓબામાએ એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે, અમેરિકા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સદસ્ય બનાવવાનું પણ સમર્થન કરે છે.

વર્ષ 2015: 54 આફ્રિકી દેશોના પ્રમુખોને ભારત બોલાવ્યાં

ઓક્ટોબર 2015માં ભારતે ભારત-આફ્રિકા મંચ શિખર સમ્મેલનમાં આફ્રિકાના બધા જ 54 દેશોના પ્રતિનિધિઓને ભારત આવવા નિમંત્રણ આપ્યું હતું. આ ભારત માટે પ્રથમ ઘટના હતી જ્યારે આફ્રિકાના તમામ 54 દેશના પ્રતિનિધિઓ એક સાથે ભારતમાં એક મંચ પર હાજર રહ્યાં હોય. આફ્રિકન દેશો સાથે વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધારવાની દિશામાં આ મહત્વનું પગલું હતું. 2015નું આ સમ્મેલન સૌર ઉર્જા, જળવાયુ પરિવર્તન અને દ્વિપક્ષીય વ્યાપારની ચર્ચા માટે મહત્વનું સમ્મેલન હતું.

વર્ષ 2016: બ્રિક્સ શિખર સમ્મેલનમાં દેખાઈ ભારતની તાકાત

ઓક્ટોબર 2016માં ગોવામાં યોજાયેલા બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભારતે પાકિસ્તાનને વૈશ્વિક સમુદાયથી એકલું પાડવા મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમ્મેલનમાં આતંકવાદનો મુદ્દો પ્રમુખસ્થાને રહ્યો હતો. એ સમયે ઉરીમાં ભારતીય સેનાના કેમ્પ પર કરવામાં આવેલા આતંકી હુમલા બાદ ભારતે PoKમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યારબાદ યોજાયેલા બ્રિક્સ સમ્મેલનમાં પીએમ મોદીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. અને પાકિસ્તાનને આતંવાદની જન્મભૂમિ પણ ગણાવ્યું હતું.

વર્ષ 2018: ગણતંત્ર દિવસ અને ભારત-આસિયાન બેઠક

આ વર્ષના પ્રજાસત્તાક દિવસના સમારોહમાં 10 આસિયાન દેશોના પ્રમુખ ભારતના મુખ્ય અતિથિ બન્યા છે. આ પ્રસંગે ભારત-આસિયાન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આસિયાન દેશોના પ્રમુખોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ભારતે પોતાની ‘લુક ઈસ્ટ’ નીતિને ‘એક્ટ ઈસ્ટ’ પોલિસીમાં બદલવાની પણ જાહેરાત કરી છે.

આમ વિતેલા ચાર વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઈન્ટરનેશનલ ઈવેન્ટનું ભારતમાં આયોજન કરીને પોતાની જાતને તો વૈશ્વિક ફલક પર સાબિત કરી જ છે, સાથે જ ભારતની તાકાતનો પણ દુનિયાને પરિચય કરાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]