પેન્શનમાં બમ્પર વધારાની શક્યતા, સુપ્રીમે એક અરજી કાઢી નાખ્યાં બાદ બની સ્થિતિ

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતાં કર્મચારીઓ માટે પેન્શનમાં બમ્પર વધારો કરવાનો રસ્તો સરળ કરી દીધો છે. જેથી પેન્શનમાં અનેક ગણો વધારો થશે. કેરળ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ ઈપીએફઓએ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હકીકતમાં કેરળ હાઈકોર્ટે ઈપીએફઓને આદેશ આપ્યો હતો કે, તે નિવૃત થયેલા તમામ કર્મચારીઓને તેમની આખી સેલેરીના હિસાબે પેન્શન આપે. વર્તમાનમાં ઈપીએફઓ 15,000 રૂપિયાની પગાર મર્યાદા સાથે પેન્શનની ગણતરી કરી છે.

પીએફ ફંડમાં થશે ઘટાડો

પ્રોવિડન્ડ ફંડમાં ઘટાડો થશે કારણ કે, હવે મોટો હિસ્સો પીએફની બદલે ઈપીએસવાળા ફંડમાં જશે. જોકે, નવા નિયમોથી પેન્શન એટલું વધી જશે તો બેલેન્સ જળવાઈ રહેશે.

ઈપીએસની શરુઆત 1995માં કરવામાં આવી, તે સમયે નોકરીદાતા કર્મચારીના પગારમાંથી વધુમાં વધુ 6500 (541 રૂપિયા મહિના)ના 8.33 ટકા જ ઈપીએસ માટે જમા કરાવી શકતા હતાં. માર્ચ 1996માં આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો અને નવા નિયમ અનુસાર જો કર્મચારી કુલ સેલેરીના હિસાબે સ્કીમમાં યોગદાન આપવા ઈચ્છે અને નોકરીદાતા પણ તૈયાર હોય તો તેમને પેન્શન પણ તે હિસાબે જ મળવું જોઈએ.

સપ્ટેમ્બર 2014માં ઈપીએફઓના નિયમમોમાં ફરી વખત ફેરફાર કરવામાં આવ્યો. જેમાં વધુમાં વધુ 15 હજાર રૂપિયાના 8.33 ટકા યોગદાનને મંજૂરી આપવામાં આવી હતી. જોકે સાથે એવો નિયમ પણ લાવવામાં આવ્યો કે જો કોઈ કર્મચારી પુરા પગાર પર પેન્શન લેવા ઈચ્છે તો તેમની પેન્શન વાળી સેલેરી છેલ્લા પાંચ વર્ષની સેલેરીના હિસાબે નક્કી થશે.

ત્યાર બાદ આ મામલે કોર્ટમાં અરજી દાખલ થવા લાગી. કેરળ હાઈકોર્ટે 1 સપ્ટેમ્બર 2014માં થયેલા ફેરફારને રદ્દ કરીને જૂના નિયમ લાગુ કરી દીધા. ત્યારે બાદ પેન્શનવાળો પગાર અગાઉના વર્ષના સરેરાશ પગાર નક્કી થવા લાગી. 2016માં સુપ્રીમ કોર્ટે ઈપીએફઓને કહ્યું કે, આનો ફાયદો એવા લોકોને પણ મળવો જોઈએ જે પહેલાથી પુરા પગારના આધાર પર પેન્શન સ્કીમમાં યોગદાન આપી રહ્યાં છે. સુપ્રીમના આ નિર્યને કારણે ઘણા કર્મચારીઓને ફાયદો થયો. એક ખાનગી સેક્ટરમાં કામ કરતા પ્રવીણ કોહલીનું પેન્શન પહેલા જે માત્ર 2372 રૂપિયા હતી, કોર્ટના નિર્ણય બાદ 30592 રૂપિયા થઈ ગયું. ત્યાર બાદ કોહલીએ આ લાભ અન્ય કર્મચારીઓને અપાવવા માટે લડત ચલાવી હતી.

ઈપીએફઓએ એવી  કંપનીઓને આનો લાભ આપવાની મનાઈ કરી દીધી જેનું ઈપીએફ ટ્રસ્ટ દ્વારા સંચાલન થતું હોય. મહત્વનું છે કે, નવરત્નોમાં સામેલ ઓએનજીસી, ઈન્ડિયન ઓઈલ, વગેરે કંપનીઓના ઈપીએફ ખાતાનું સંચાલન ટ્રસ્ટ દ્વારા થતું હતું. હવે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયથી આશા છે કે, આ મામલો સંપૂર્ણ રીતે ઉકેલાય ગયો છે. જે લોકોએ 1 સપ્ટેમ્બર 2014 બાદ કામ કરવાનું શરુ કર્યું છે, તે પણ પુરા પગાર પર પેન્શનનો લાભ લઈ શકશે.