વર્તમાન-પૂર્વ સાંસદો પર કુલ 4000થી વધુ કેસ પેન્ડિંગ…

નવી દિલ્હી: દેશના વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદ અને ધારાસભ્યો વિરુદ્ધ ત્રણ દાયકાથી 4,122 ગુનાઈત કેસો પેન્ડિંગ છે. સુપ્રીમકોર્ટમાં મંગળવારે રજૂ કરાયેલા રિપોર્ટમાં આ દાવો કરાયો છે. સુપ્રીમકોર્ટના આદેશ પર વરિષ્ઠ વકીલ વિજય હંસારિયા અને સ્નેહા કાલિતાએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. બંને આ મામલામાં કોર્ટ મિત્રની ભૂમિકામાં છે. સુપ્રીમકોર્ટે રાજ્યો અને હાઈકોર્ટ પાસેથી માહિતી માગી હતી.

હંસારિયા અને સ્નેહાએ રાજ્યો અને વિવિધ હાઈકોર્ટ પાસેથી માહિતી એકત્ર કરી. રિપોર્ટ મુજબ 264 કેસોમાં વિવિધ હાઈકોર્ટે સુનાવણી અટકાવી રાખી છે. વર્ષ 1991થી પેન્ડિંગ અનેક કેસોમાં ચાર્જશીટ પણ દાખલ કરાઈ નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. કે. કૌલ, કે.એમ. જોસેફની બેન્ચે આ કેસની સુનાવણી કરી. અશ્વિની ઉપાધ્યાયે ગુનાઈત કેસોમાં દોષિત જાહેર નેતાઓ પર પ્રતિબંધ મૂકવા અંગે જનહિતની અરજી દાખલ કરી છે.

રિપોર્ટ મુજબ 2324 સાંસદ અને ધારાસભ્યો અને 1675 ભૂતપૂર્વ સાંસદ અને ધારાસભ્યો પર 4122 ગુનાઈત કેસ પેન્ડિંગ છે. નેતાઓ વિરુદ્ધ ગુનાઈત કેસની સુનાવણી નીચલી અદાલતોમાં ખૂબ જ ધીમી છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા વિરુદ્ધ 18 કેસ નોંધાયેલા છે. તેમાંથી 10 કેસમાં આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.

તેમ છતાં તેમના વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરાઈ નથી. કેરળમાં ધારાસભ્ય એમ.એમ. મણી વિરુદ્ધ 1982માં હત્યાનો કેસ નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ જ શરૂ થઈ નથી. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિરુદ્ધ 2007માં ભ્રષ્ટાચારનો કેસ પેન્ડિંગ છે.

આ કેસમાં હજી પણ ચાર્જશીટ દાખલ કરાઈ નથી. ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદ વિરુદ્ધ ચાલી રહેલા 22 કેસોમાંથી 10 કેસ હત્યાના છે. છેલ્લાં 16 વર્ષમાં આ કેસોનો ઉકેલ આવ્યો નથી. ગુજરાતમાં એનસીપી ધારાસભ્ય કાંધલભાઈ સરમણભાઈ જાડેજા વિરુદ્ધ ત્રણ કેસ ચાલી રહ્યા છે.

તેમાં ચાર્જશીટ દાખલ કરાઈ નથી. ઓડિશામાં ચાર વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યો વિરુદ્ધ 100થી વધુ ગુનાહિત કેસ છે. અદાલતે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

કોર્ટે ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધ કેસની સુનાવણી માટે બિહાર અને કેરળના બધા જિલ્લામાં વિશેષ કોર્ટ બનાવવાનો આદેશ આપ્યો.

આ અંગે પટણા અને કેરળ હાઈકોર્ટ પાસે 14 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ માગ્યો. કેરળમાં વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્યો પર 312, બિહારમાં 304 અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 922 કેસ પેન્ડિંગ છે. કોર્ટે કહ્યું કે તે બે રાજ્યો પર આદેશ આપી રહી છે. અન્ય રાજ્યો પર પછી આદેશ અપાશે. અદાલત એ બાબતો પર વહેલા નિર્ણય કરે જેમાં મહત્તમ આજીવન કેદની સજાની જોગવાઈ છે.