દુરંતો એક્સપ્રેસમાં દિલ્હી પાસે લૂંટફાટ, બે કોચના યાત્રીઓ બન્યાં શિકાર

નવી દિલ્હીઃ જમ્મુથી દિલ્હી આવી રહેલી દુરંતો એક્સપ્રેસના યાત્રીઓ લૂંટનો શિકાર બન્યાં છે. આઉટર દિલ્હીના બાદલી પાસે લૂંટારુઓએ યાત્રીઓને ચપ્પુ બતાવીને મોબાઈલ, કેશ અને જ્વેલરીની લૂંટ ચલાવી છે. લૂંટારુઓએ કોચ નંબર B3 અને B7 ના યાત્રીઓને નિશાન બનાવ્યાં હતાં. દિલ્હી પોલિસે આ ઘટના અંગે તપાસની કાર્યવાહી શરુ કરી દીધી છે.

દૂરંતોમાં લૂંટની આ ઘટના ગુરુવારે સ્ટેશનના આઉટર પર આશરે 3:30 વાગ્યે બની છે. લૂંટારુઓની સંખ્યા 5 -10 જેટલી હતી. જો કે ડીસીપી રેલવે દિનેશ ગુપ્તાએ દાવો કર્યો કે બદમાશો 3 થી 4 જેટલા હતાં એટલા માટે આ ગુનો લૂંટની શ્રેણીમાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પહેલા લૂંટારુઓએ ટ્રેનના સિગ્નલ ફેલ કર્યા અને પછી ટ્રેનમાં દાખલ થઈ ગયાં. પ્રાપ્ત વિગતો અનુસાર હથિયારબંધ લૂંટારુઓ કોચ બી-3 અને બી-7માં ઘુસ્યા અને હથિયારોના દમ પર યાત્રીઓને લૂંટવાનું શરુ કરી દીધું હતું. એસી કોચ હોવાના કારણે યાત્રીઓનો અવાજ પણ બહાર ન આવ્યો અને કોઈ સુરક્ષા જવાનોને આ અંગે ખ્યાલ પણ ન આવ્યો અને ટ્રેનમાં આશરે 20 મીનિટ સુધી લૂંટ ચાલતી રહી. આશરે 4 વાગ્યે ટ્રેન બાદલી આઉટરથી નીકળી અને જ્યારે ટ્રેન 4:20 વાગ્યે સરાય રોહિલ્લા રેલવે સ્ટેશન પહોંચી ત્યારે યાત્રીઓએ પોલીસને ફરિયાદ કરી. રેલ મંત્રાલયના ટ્વિટર પણ પણ ફરિયાદ કરવામાં આવી છે.

જમ્મૂથી દિલ્હી સરાય રોહિલ્લા આવનારી દુરંતો એક્સપ્રેસ 12266નો દિલ્હી સરાય રોહિલ્લા પહોંચવાનો સમય 4:20 વાગ્યાનો છે. રેલવે પાસેથી મળેલી જાણકારી અનુસાર આ ટ્રેન સવારે 3:06  વાગ્યે સોનીપતથી પસાર થઈ અને ત્યારબાદ 3:16 વાગ્યે દિલ્હીના પહેલા સ્ટેશન નરેલા થઈને બાદલી બાજુ આવી રહી હતી. બાદલી રેલવે સ્ટેશન માસ્ટરે ટ્રેનને ગ્રીન સિગ્નલ આપ્યું હતું પરંતુ કોઈને ક્યાં ખબર હતી કે આઉટર પર લૂંટારુઓ પહેલાથી જ જાળ બીછાવીને બેઠા છે.

બદમાશોએ જેવી જ ટ્રેનને આવતા જોઈ કે સીગ્નલ ફેલ કરી દીધું. સિગ્નલ અચાનક ગ્રીનથી રેડ થઈ ગયું. 3:24 વાગ્યે ટ્રેન બાદલી આઉટર પર રોકાઈ ગઈ. ફરિયાદકર્તા અશ્વીની કુમારે જણાવ્યું કે 5 થી 10 જેટલા લૂંટારુઓ ટ્રેનના બે કોચમાં ઘુલી ગયા અને પેસેન્જરોના ગળા પર ચપ્પુ મુકીને લૂંટ શરુ કરી દીધી. બહાર ખૂબ અંધારુ હતું અને એસી કોચ હતા એટલે ત્યાંથી બહાર અવાજ પણ નહોતો જઈ રહ્યો. લૂંટારુઓએ લાખો રુપિયાની વસ્તુઓની ચોરી કરી લીધી. સિગ્નલ વિભાગની ટીમ પણ સિગ્નલ લોકેશન પર પહોંચી પરંતુ તેમને પણ આ ઘટના વિશે ખ્યાલ ન આપ્યો. સિગ્નલ બીજીવાર ગ્રીન થયા બાદ 3:53 વાગ્યે ટ્રેન આઉટરથી ચાલી અને પછી સરાય રોહિલ્લા સ્ટેશન પર પહોંચી.

પરંતુ સવાલ એ છે કે આખરે કેવી રીતે સિગ્નલ ફેઈલ થઈ જાય છે. તો આપને જણાવી દઈએ કે રેલવે ટ્રેક પર સિગ્નલ પોસ્ટ પાસે ટ્રેક સર્કિટ અને ગ્લૂ જોઈન્ટ હોય છે જે સીધો જ સીગ્નલ સાથે જોડાયેલો હોય છે. ગ્લૂ જોઈન્ટ પર એક diameter પ્લસનું હોય છે અને એક માઈનસનું. જો કોઈ ધાતુ જેવી કે લોખંડ, એલ્યૂમિનિયમ અને અન્યથી આ બંન્ને diameter ને મીલાવી દેવામાં આવે તો ટ્રેકની સર્કિટ ફેઈલ થઈ જાય છે અને સિગ્નલ ફેઈલ થઈ જાય છે. ત્યારે આ ઘટનાને અંજામ આપવા માટે પણ લૂંટારુઓએ આ જ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ જગ્યા પર પહેલા પણ કેટલાય અસામાજિક તત્વોએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]