પાકિસ્તાન 385 ભારતીયોને કરશે મુક્ત, 8 એપ્રિલે…

નવી દિલ્હી- પાકિસ્તાન 8 એપ્રિલના રોજ એટલે કે આગામી સપ્તાહે 100 ભારતીય માછીમારોને મુક્ત કરશે. બંન્ને દેશોના રાજદ્વારીઓ આ વાતની પુષ્ટી કરી છે. ધ હિંદૂમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાની અધિકારીઓએ ભારતને જણાવ્યું છે કે, આગામી 7 એપ્રિલના રોજ 100 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવશે, અને 8 એપ્રિલના રોજ વાઘા બોર્ડરના રસ્તે આ માછીમારોને ભારતને સોંપવામાં આવશે.

ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનને 385 માછીમારો અને 10 ભારતીય કેદીઓને છોડવા માટે એક સ્પેશિયલ નોટ લખી હતી. ત્યારબાદ પાકિસ્તાને આ નિર્ણય કર્યો છે.

વિદેશ મંત્રાલયે તેમની પત્રમાં લખ્યું કે, કુલ 385 ભારતીય માછીમારો એવા છે જેની નાગરિકતાની ઓળખ પાકિસ્તાનને આપી દેવામાં આવી છે, જે હાલ પાકિસ્તાનની જૂદી જૂદી જેલોમાં બંધ છે. અમે નિવેદન કરીએ છીએ તે, આ માછીમારોને તેમની નૌકાઓ સાથે શક્ય તેટલી જડપે ભારતને સોંપી દેવામાં આવે.

અગાઉ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ભારતીય માછીમારોની ફાઈલ તસવીર

ધ હિંદૂની ખબર અનુસાર પાકિસ્તાને પાંચ નાગરીકો સહિત કુલ 360 ભારતીય કેદીઓને આ મહિને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ પાકિસ્તાન દર સપ્તાહે 100 કેદીઓને તેમની જેલમાંથી મુક્ત કરશે. 29 એપ્રિલના રોજ કેદીઓના અંતિમ જૂથને ભારતને સોંપવામાં આવશે.

 

સામજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે, પાકિસ્તાનનું આ પગલુ એવા માછીમારો માટે રાહતના સમાચાર લઈને આવ્યું કે જે ભૂલથી પાકિસ્તાનની સમુદ્રી સરહદમાં પ્રવેશી ગયા હતાં. આ પહેલા સપ્ટેમ્બર 2010માં પાકિસ્તાને 442 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતાં.

તો બીજી તરફ પાકિસ્તાન તરફથી ઘર વાપસી કરનારા કેદીઓ માટે ભારતીય વિદેશ મંત્રાલયે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પાકિસ્તાની હાઈ કમિશનનું કહેવું છે કે, તેમને ભારતની જેલમાં બંધ 50 માછીમારો અને નાગરીકોને મુક્ત થવાનો ઈંતજાર છે, જે તેમની સજા ભોગવી ચૂક્યા છે.