ભારતીય સેનાને ટાર્ગેટ કરવા પાક. કરી રહ્યું છે ‘ટ્રી સ્નાઈપર્સ’નો ઉપયોગ

શ્રીનગર- સરહદ પર ભારતીય સેનાના જવાનો અને નાગરિકોને ટાર્ગેટ કરવા પાકિસ્તાન તરફથી નાપાક હરકતો સતત ચાલુ રહે છે. ભારતીય સેના પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી રહી છે, તેમ છતાં પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું.સૂત્રોનું માનીએ તો, સરહદ પર પાકિસ્તાન ભારતીય સેનાના જવાનોને ટાર્ગેટ કરવા ‘ટ્રી સ્નાઈપર્સ’નો ઉપયોગ કરી રહ્યાં છે. જેના માટે વ્યવસ્થિત યોજના પણ બનાવવામાં આવી છે. આ માહિતી સામે આવ્યા બાદ સુરક્ષાદળોને વધુ સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.

જાસુસી એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાની આર્મી અને પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIએ LoC અને ભારત સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્નાઈપર્સ તહેનાત કર્યા છે. ઉપરાંત પાકિસ્તાને આશરે 145 જેટલા શાર્પશૂટર્સ પણ સરહદ પર તહેનાત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાકિસ્તાને PoK તરફ વધુ સ્નાઈપર્સ તહેનાત કર્યા છે. જેના ટાર્ગેટ ઉપર માછીલ સેક્ટર ઉપરાંત, ઉરી, તંગધાર, પૂંછ, બિમ્બર ગલી, રામપુર અને કૃષ્ણા ઘાટી રહેલાં છે. આ સ્નાઈપર્સને PoKના આતંકી ટ્રેનિંગ કેમ્પમાં ‘સ્પેશિયલ ઓપરેશન ટીમ’ અંતર્ગત તાલીમ આપવામાં આવે છે.

પાકિસ્તાન આર્મીના સૈનિકો સાથે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ અને હિજબુલના આતંકીઓને પણ સ્નાઈપર્સ તરીકે ભરતી કરવામાં આવે છે અને તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ તેને પાકિસ્તાનની મુજાહિદ બટાલિયન સાથે અન્ય જગ્યાઓ પર તહેનાત કરવામાં આવે છે.