સિધુની ડિપ્લોમસી રંગ લાવી; પાકિસ્તાને કરતારપુર સાહિબનાં દ્વાર ભારતીયો માટે ખુલ્લા મૂક્યા

ચંડીગઢ – ગયા મહિને પાકિસ્તાનના નવા વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં હાજર રહેવાનું ખાસ આમંત્રણ મળ્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબના પ્રધાન નવજોત સિંહ સિધુ એ સમારંભમાં પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાને ભેટ્યા હતા. સિધુના એ પગલાંની ભારતમાં ઘણી ટીકા થઈ છે. પણ હવે એ જ સિધુનું માન જાળવીને પાકિસ્તાન સરકારે શીખ લોકો માટે પવિત્ર એવા કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં દર્શન કરવા આવવાની ભારતના લોકોને પરવાનગી આપી દીધી છે.

આ સમાચાર વિશે પ્રત્યાઘાત આપતાં સિધુએ એમના મિત્ર ઈમરાન ખાનનો આભાર માન્યો છે. એમણે કહ્યું કે, કરતારપુર સાહિબ ગુરુદ્વારાનાં દ્વાર ખુલ્લા મૂકીને ઈમરાન ખાને ભારતના લાખો શીખ અને પંજાબી શ્રદ્ધાળુઓની ઈચ્છા પરિપૂર્ણ કરી છે.

ભારતીય શ્રદ્ધાળુઓને હવે વિઝા વિના કરતારપુર સાહિબમાં દર્શન કરવાની પરવાનગી મળશે.

કરતારપુર સાહિબ ગુરુદ્વારાનાં દ્વાર શીખ ધર્મગુરુ ગુરુનાનક દેવજીની નવેંબરના આરંભમાં આવતી 550મી જન્મતિથિએ ખુલ્લા મૂકવામાં આવશે.

ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર પાકિસ્તાનના નરોવાલ જિલ્લાના કરતારપુર નગરમાં આવેલું ગુરુદ્વારા છે. આ સ્થળ લાહોરથી 120 કિ.મી. દૂર આવેલું છે.

 

આ એ ઐતિહાસિક સ્થળ છે જ્યાં ગુરુ નાનક એમનાં મિશનરી પ્રવાસો બાદ સ્થાયી થયા હતા અને શીખ સમુદાયને સંગઠિત કર્યો હતો.

સિધુએ વધુમાં કહ્યું છે કે ઈમરાન સરકારના આ નિર્ણયને જનરલ બાજવા સાથે મારા ભેટવાની ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.

ગયા મહિને પાકિસ્તાનમાંથી પાછા ફર્યા બાદ સિધુએ કહ્યું હતું કે બધો વિવાદ ભારતમાં જ છે. પાકિસ્તાનમાં તો નવા વડા પ્રધાને કહ્યું છે કે એમને ભારત સાથે શાંતિ જોઈએ છે.

પાકિસ્તાન સરકાર કરતારપુર સાહિબમાં દર્શન કરવાની પરવાનગી આપે એ માટે ભારત સરકાર ઘણા વર્ષોથી પ્રયત્નશીલ હતી, પણ ઈમરાન ખાન વડા પ્રધાન બન્યા બાદ અને સિધુની વિનંતી બાદ શીખ લોકોનું સપનું સાકાર થયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]