SC/ST એક્ટ વિવાદઃ ચુકાદા પર સ્ટે ઓર્ડર આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હી – જેને કારણે સોમવારે દેશના અનેક રાજ્યોમાં ‘ભારત-બંધ’ આંદોલન થયું હતું અને દલિત સંગઠનોનાં કાર્યકર્તાઓ તથા પોલીસો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી, તે અનુસૂચિત જાતિઓ-જનજાતિઓ પર અત્યાચારોને રોકતા કાયદા સંબંધિત પોતાના ચુકાદા પર સ્ટે ઓર્ડર આપવાનો સુપ્રીમ કોર્ટે આજે ઈનકાર કર્યો છે. જેને કારણે અરાજકતા ફેલાઈ ગઈ છે એ પોતાના ગઈ 20 માર્ચના ઓર્ડરને મોકૂફ રાખવાની સર્વોચ્ચ અદાલતે ના પાડી છે, પરંતુ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે કરેલી રીવ્યૂ પીટિશનની વિગત પર પોતે વિચારણા કરશે.

ન્યાયમૂર્તિઓ એ.કે. ગોયલ અને યૂ.યૂ. લલિતની બેન્ચે કોર્ટના ચુકાદાને પગલે થયેલા દેખાવો દરમિયાન દેશભરમાં મોટા પાયે ફાટી નીકળેલી હિંસાની નોંધ લીધ લીધી છે અને કહ્યું કે જે લોકો આંદોલન કરી રહ્યા છે એમણે ચુકાદો બરાબર વાંચ્યો નથી અને સ્થાપિત હિતો એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

ન્યાયાધીશોની બેન્ચે એમ પણ જણાવ્યું છે કે કોર્ટે SC/ST એક્ટની કોઈ જોગવાઈઓને નબળી પાડી નથી અને માત્ર નિર્દોષ લોકોની ધરપકડ ન થાય એ માટે એમનું હિત જ જોયું છે. તેમ છતાં, કાયદાની જોગવાઈઓનો ઉપયોગ નિર્દોષોને ડરાવવા માટે કરી શકાય નહીં.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્રની રીવ્યૂ પીટિશન (પુનર્વિચાર અરજી) પર 10 દિવસ પછી સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. કોર્ટે આની સાથે, મહારાષ્ટ્ર સરકાર તથા અન્યોને આ દિવસો સુધીમાં લેખિતમાં રજૂઆત કરવા કહ્યું છે.

કેન્દ્ર સરકારે પોતાની રીવ્યૂ પીટિશનમાં લખ્યું છે કે ગઈ 20 માર્ચે કોર્ટે ચુકાદો આપીને 1989માં ઘડવામાં આવેલા SC/ST કાયદાની કડક જોગવાઈઓને નબળી પાડી દેતાં એની વ્યાપક અસર ઊભી થઈ છે. ભારતની વસ્તીના અમુક લોકો, જેઓ SC/ST (અનુસૂચિત જાતિઓ-જનજાતિઓ)ના સભ્યો છે, તેઓ પર આની અવળી અસર ઊભી થઈ છે. વળી, આ ચુકાદો સંસદની પ્રશાસકીય નીતિની વિરુદ્ધમાં છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી થયો વિવાદ…

સુપ્રીમ કોર્ટે SC/ST કાયદામાં તત્કાળ ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત SC/ST કાયદા અંતર્ગત ફાઈલ કરનાર કેસોમાં આગોતરા જામીન મેળવવાની છૂટની પણ મંજૂરી આપી દીધી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે આ કાયદા અંતર્ગત નોંધાયેલા કેસોમાં આપોઆપ ધરપકડ કરવાને બદલે પોલીસે સાત દિવસની અંદર તપાસ કરવાની રહેશે અને ત્યારબાદ આગળનું પગલું ભરવું. એટલું જ નહીં, સરકારી અધિકારીની ધરપકડ ઉપરી અધિકારીની મંજૂરી વિના કરી શકાશે નહીં. બિન-સરકારી કર્મચારીની ધરપકડ કરવા માટે પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટની મંજૂરી આવશ્યક રહેશે.

બસ, કોર્ટના આ નિર્ણયથી દલિત સમાજનાં લોકો નારાજ થયા છે અને સોમવારે ‘ભારત બંધ’નું એલાન કર્યું હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]