મોદી સરકારે લોકસભામાં વિશ્વાસનો મત બહુમતી સાથે જીતી લીધો

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે લોકસભામાં ફ્લોર ટેસ્ટ જીતી લીધી છે. વિપક્ષ પ્રેરિત અવિશ્વાસના પ્રસ્તાવનું પતન થયું છે. ચર્ચાને અંતે કરાયેલા મૌખિક મતદાનમાં પ્રસ્તાવનો 325 વિરુદ્ધ 126 મતોથી પરાજય થયો છે. સ્પીકર સુમિત્રા મહાજને જાહેરાત કરી હતી કે કુલ 451 સભ્યો લોકસભા ગૃહમાં હાજર હતા અને એમાંથી 325 જણે મોદી સરકારની તરફેણમાં મત આપ્યો હતો જ્યારે 126 મત વિપક્ષી પ્રસ્તાવની તરફેણમાં પડ્યા હતા.

શિવસેના અને બીજુ જનતા દળના સભ્યો મતદાન વખતે ગેરહાજર રહ્યા હતા. પપ્પુ યાદવ નામના સભ્ય મતદાન પૂર્વે સભાત્યાગ કરી ગયા હતા.

કેન્દ્રમાં પોતાની સરકાર વિરુદ્ધ તેલુગુ દેસમ પાર્ટી સહિતના વિપક્ષો તરફથી લોકસભામાં રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર લોકસભામાં રાતે 11.10 વાગ્યે યોજાયેલા મતદાન પૂર્વે સવારે 11 વાગ્યાથી શરૂ કરાયેલી ચર્ચાને અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યંત આક્રમક રીતે જવાબ આપ્યો હતો.

દોઢ કલાક સુધી કરેલા ભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ સરકાર વિરુદ્ધ કરેલા આરોપોના જવાબ આપ્યા હતા, રાહુલ અને કોંગ્રેસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી તથા પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.

વડા પ્રધાન મોદીના ભાષણ દરમિયાન ટીડીપીના સભ્યો સતત ‘વી વોન્ટ જસ્ટિસ’ નારા લગાવતા રહ્યા હતા.

મોદીએ ચર્ચાના જવાબમાં શું કહ્યું?

– અવિશ્વાસના પ્રસ્તાવને નકારી કાઢવાની વિનંતી સાથે મોદીએ પોતાનું ભાષણ સમાપ્ત કર્યું

– ભારતીય બેન્કો માટે NPAની સુરંગ કોંગ્રેસે બીછાવી હતી. યુપીએના શાસનમાં બેન્કોને લૂંટવામાં આવી હતી. 2014 સુધી દેશને લૂંટવાનો ખેલ ચાલતો રહ્યો હતો. બેન્કિંગ સિસ્ટમને સુધારવા માટે અમે નિર્ણયો લેવાની શરૂઆત કરી.

– કોંગ્રેસને કોઈ પણ સંસ્થા પર વિશ્વાસ નથી. એને દેશના ચીફ જસ્ટિસ અને ચૂંટણી પંચ ઉપર પણ વિશ્વાસ નથી. અવિશ્વાસનો પ્રસ્તાવ એમના અહંકારનું પરિણામ છે

– 2009ની લોકસભા ચૂંટણી પહેલા પોતાના માનીતા લોકોને કરોડોની લોન આપીને કોંગ્રેસ પાર્ટીએ બેન્કોને ખાલી કરાવી દીધી હતી

– કોંગ્રેસે દેશની અર્થવ્યવસ્થાને ખોખલી કરી નાખી, કોંગ્રેસ પાર્ટીની સરકારોએ દેશની બેન્કોને ખાલી કરાવી નાખી હતી

– આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વિકાસમાં અમારી સરકાર જરાય પાછીપાની નહીં કરે

– આંધ્ર-તેલંગાણા વિવાદ કોંગ્રેસની દેન છે. આંધ્ર પ્રદેશ, તેલંગણાનું વિભાજન કોંગ્રેસ-યૂપીએ સરકારે જબરદસ્તીથી કરાવ્યું હતું

– કોંગ્રેસનો અહંકાર એને ડૂબાડશે અને એની સાથેના બાકીનાઓને પણ ડૂબાડશે

– પોતાની દુર્દશા માટે કોંગ્રેસ સ્વયં જવાબદાર છે. આ પાર્ટી હવે ઉચ્ચવર્ગ સુધી સીમિત રહી ગઈ છે.

– અમે ચોકીદાર પણ છીએ અને ભાગીદાર પણ છીએ. અમે ગરીબોના દુઃખના ભાગીદાર છીએ, દેશના યુવાનોના સપનાંઓના ભાગીદાર છીએ, અમે સૌદાગર કે ઠેકેદાર નથી

– કોંગ્રેસ પાર્ટીએ વારંવાર દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે.

– સર્જિકલ સ્ટ્રાઈક્સને ‘જુમલા’ કહેવા બદલ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી. કહ્યું, ‘તમે મને ભલે ગાળો દો, પણ જેમણે દેશને ખાતર પોતાના જાનનું બલિદાન આપ્યું છે એમને ન આપો.’

– રાફેલ વિમાન ખરીદી મામલે સરકાર પર આરોપ મૂકીને રાહુલ ગાંધીએ દેશને ગેરમાર્ગે દોર્યો છે

– રાફેલ ખરીદી મામલે ભારત-ફ્રાન્સ વચ્ચે થયેલો કરાર કોઈ બે પ્રાઈવેટ કંપની વચ્ચે નથી થયો, પરંતુ બે જવાબદાર સરકાર અને દેશ વચ્ચે કરવામાં આવ્યો છે

– અમે બેનામી સંપત્તિનો કાયદો ગૃહમાં લઈ આવ્યા. અમે રૂ. સાડા ચાર હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે

– અમે કિસાનોની આવક 2022 સુધીમાં ડબલ કરીશું. અમે કિસાનોને આધુનિક ખેતી તરફ લઈ ગયા છીએ.

– અમારા શાસન દરમિયાન બે વર્ષમાં પાંચ કરોડ લોકો ગરીબીની રેખાની બહાર આવ્યા છે.

– પહેલા દેશમાં મોબાઈલ ફોન બનાવતી માત્ર બે જ કંપની હતી, પણ આજે દેશમાં મોબાઈલ ફોન બનાવતી 120 કંપનીઓ સક્રિય છે.

– નકારાત્મક રાજનીતિએ કેટલાક લોકોને ઘેરી લીધા છે. આ અવિશ્વાસ પ્રસ્તાવનો પ્રસંગ સારું થયું આવ્યો, કારણ કે એવા લોકોનો ચહેરો સજીધજીને બહાર આવ્યો છે.

– એ નકારાત્મક લોકોનો માત્ર એક જ મુદ્દો છે, મોદી હટાઓ. પરંતુ, હું અહીંયા જ ઊભો છું, અને ચાર વર્ષથી અડગ છું.

–  આ મારી સરકારની ફ્લોર ટેસ્ટ નથી, આ કોંગ્રેસના તથાકથિત સાથીઓની ફોર્સ ટેસ્ટ છે.

– રાહુલ ગાંધીને પીએમની ખુરશી સુધી પહોંચવાની ઉતાવળ હતી. પણ અમને સવાસો કરોડ ભારતીયોના આશીર્વાદ મળ્યા છે

– સરકાર પાડવાનું આ એમનું ઉતાવળીયું પગલું છે. પોતાના સ્વાર્થને માટે તમે દેશ પર અવિશ્વાસ ન કરો

અગાઉ, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે નોટબંધી નિર્ણયને જનતાનું સમર્થન મળ્યું છે. વિપક્ષે જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. નોટબંધી બાદ જ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ વિજય મળ્યો હતો.

લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કેન્દ્ર સરકારના કાર્યોની જાણકારી આપવાને બદલે દેશનો ઈતિહાસ જણાવ્યો. તમારે એ જણાવવું જોઈએ ચાર વર્ષ અને ચાર મહિનામાં તમે શું કામ કર્યું.

કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને પોતાના સંબોધનમાં સરકારી નોકરીઓમાં બઢતી આપવામાં અનામત પ્રથા વિશે જણાવ્યું હતું. વિપક્ષ મોદી સરકારનું એવું કોઈ પણ કાર્ય બતાવે જે લઘુમતીઓની વિરુદ્ધ ગયું હોય. રાહુલ ગાંધીએ ચિંતન કરવાની પણ જરૂર છે.

2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની આજે પહેલી મોટી કસોટી છે. શાસક ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગ્રુપના ભૂતપૂર્વ સાથીપક્ષ તેલુગુ દેસમ પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ રજૂ કરેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર આજે લોકસભામાં ચર્ચા શરુ કરવામાં આવી હતી.

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળવાને કારણે ટીડીપીએ એનડીએ સાથેનો છેડો ફાડી નાંખ્યો હતો. અને હવે સંસદમાં એની વિરુદ્ધ વલણ અખત્યાર કર્યું છે. એના અવિશ્વાસના પ્રસ્તાવને કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોનો ટેકો છે, પરંતુ આ પ્રસ્તાવ ઊંંધે માથે પડવાની પૂરી શક્યતા છે, કારણકે લોકસભામાં ભાજપ પાસે પૂરતું, 273નું સંખ્યાબળ છે. વિશ્વાસનો મત જીતવા માટે સરકારે 268 મત મેળવવા પડે. ભાજપને કેટલાક સાથી પક્ષોના સભ્યોનો પણ ટેકો હોવાથી એનડીએને 313 સભ્યોના મત મળવાની ધારણા છે.અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા માટે સ્પીકર સુમિત્રા મહાજને સાત કલાક ફાળવ્યા છે. એમાંથી ત્રણ કલાક અને 33 મિનિટનો સમય ભાજપને આપવામાં આવ્યો છે. પ્રસ્તાવ રજૂ કરનાર ટીડીપીને 13 મિનિટ આપવામાં આવી છે. ચર્ચાનો આરંભ ટીડીપીએ કર્યો હતો. લોકસભામાં ટીડીપીના 16 સભ્યો છે. પક્ષના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ તમામ સભ્યોને ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે, પણ અમુક સાંસદો ગેરહાજર રહે એવી ધારણા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં હાજર રહેશે અને સંબોધન પણ કરશે. મતદાન યોજાતા કદાચ રાત પડી જવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 વર્ષમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ આ પ્રકારની આ પહેલી જ પરીક્ષા છે.

કેન્દ્ર સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના ઠીક પહેલાં NDAની સહયોગી પાર્ટી શિવસેનાએ જ કેન્દ્ર સરકારને ઝાટકો આપ્યો છે. શિવસેનાએ નિર્ણય કર્યો છે કે, આ અવિશ્વાસ પ્રસ્તાવના મતદાનમાં તેમના નેતાઓ વોટિંગમાંથી ગેરહાજર રહેશે. શિવસેનાએ કહ્યું કે, મોદી સરકારે તેના વાયદાઓ પૂરા કર્યા નથી. આ નિર્ણયની માહિતી આપતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, અમે NDAમાં ચોક્કસ છીએ પરંતુ વોટ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]