કોંગ્રેસ સત્તા પર આવશે તો જીએસટીનો માત્ર એક જ સ્લેબ રહેશેઃ રાહુલ ગાંધી

હૈદરાબાદ – ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ને ‘ગબ્બર સિંહ ટેક્સ’ તરીકે ઓળખાવીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેન્દ્રમાં જો કોંગ્રેસ પાર્ટીની સરકાર સત્તા પર આવશે તો જીએસટીનો માત્ર એક જ સ્લેબ રહેશે.

તેલંગણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મહિલાઓનાં સેલ્ફ-હેલ્પ જૂથો સાથે વિચારવિમર્શ બેઠકમાં બોલતાં રાહુલ ગાંધીએ એમ કહીને એનડીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા કે આ સરકારે છેલ્લા બે વર્ષમાં દેશમાં 15 સૌથી શ્રીમંત ઉદ્યોગપતિઓની રૂ. 2.5 લાખ કરોડની લોન માફ કરી દીધી છે.

‘અને આ જીએસટી તો ગબ્બર સિંહ ટેક્સ છે. આ જીએસટી તો ગરીબ લોકોનાં ખિસ્સાઓમાંથી પૈસા કઢાવવાનો એક રસ્તો છે. અત્યારે જે જીએસટી છે એ ગબ્બર સિંહ ટેક્સ છે. કોંગ્રેસ પાર્ટી જો સત્તા પર આવશે પ્રજાને જીએસટી આપશે, એટલે કે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ.’

કોંગ્રેસના રાજમાં જીએસટીનો માત્ર એક જ સ્લેબ હશે. અલગ અલગ પાંચ-પાંચ સ્લેબ નહીં હોય. એમાં તમારે દર મહિને જુદા જુદા ફોર્મ્સ ભરવાની પણ જરૂર નહીં રહે, એમ રાહુલે જીએસટી વિશે ફરિયાદ કરનાર એક મહિલાને જણાવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]