ડુંગળી ખાવી હોય તો હજુ રાહ જોવી પડશેઃ આટલા દિવસ પછી ભાવ ઘટી શકે

નવી દિલ્હી: દેશના મોટભાગના શહેરોમાં ડુંગળીની કિંમત પ્રતિ કિલોગ્રામ રુપિયા 100 ને પાર કરી ગઈ છે. અને હજુ પણ ગ્રાહકોને નજીકના ભવિષ્યમાં ડુંગળીની અછતમાંથી રાહત મળે તેવા કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા. સરકારનું માનીએ તો ડુંગળીની આયાત કરવામાં આવી છે, જેની પ્રથમ ખેપ 20 ડિસેમ્બરે ભારત પહોંચે તેવી સંભાવના છે. આયાત કરેલી ડુંગળી પહોંચ્યા બાદ કિંમતોમાં ઘટાડા આવી શકે છે. સરકારે સંસદમાં એક સવાલના જવાબમાં આ વાત કહી. ખરીફ સિઝનમાં ડુંગળીનો પાક બગડી જવાને કારણે ઉત્પાદનમાં મોટી ઘટ પડી છે. ડુંગળીના ભાવ વધારાનું આ મુખ્ય કારણ છે.

કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયના દૈનિક કિંમતો પર દેખરેખ રાખતા સેલ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં ડુંગળીનું વધુમાં વધુ મૂલ્ય 165 રુપિયા અને ઓછામાં ઓછુ 42 રુપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાયું છે. દેશના 100 થી વધુ શહેરોમાં ડુંગળીની સરેરાશ કિંમત 100 રુપિયા પ્રતિ કિલોગ્રામ છે.

મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, ગુવાહાટી, અગરતલા, ઈમ્ફાલ, શિલોંગ, અમદાવાદ, લખનૌ, પટના, પંચકુલા, શિમલા, દેહરાદૂન અને ચંદીગઢમાં ડુંગળી 100 રુપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાઈ રહી છે.

સંસદમાં પણ ડુંગળીની કિંમતો મુદ્દે દરરોજ ચર્ચા થાય છે. શુક્રવારે પણ રાજ્યસભામાં સવાલો પુછવામાં આવ્યા. જેના જવાબમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી દાનવે રાવસાહેબ દાદારાવે જણાવ્યું કે, આયાત કરવામાં આવી રહેલી ડુંગળીની પ્રથમ ખેપ 20 ડિસેમ્બર સુધી દેશમાં પહોંચે તેવી શક્યતા છે. વિશ્વના જૂદા જૂદા દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા પર સરકારી એજન્સી એમએમટીસી કામ કરી છે. પહેલા ચોમાસામાં વિલંબ અને ત્યાર બાદ ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]