દિલ્હીમાં ઓડ-ઇવન મુદ્દે ભાજપમાં જ તિરાડ

નવી દિલ્હી– દિલ્હીમાં ચાલી રહેલ ઓડઇવનનો ભાજપ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. પરંતુ પક્ષની અંદર જ વિરોધની રીતો અંગે મતભેદો દેખાઈ રહ્યાં છે. પક્ષના મતભેદ ત્યારે સામે આવી ગયાં જ્યારે ભાજપના રાજ્યસભા સાંસદ વિજય ગોયેલે પોતાની એસયુવી દ્વારા ઓડઇવન યોજનાનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે દિલ્હી ભાજપે તેમની વિરોધની રીતથી પોતાને અલગ કરી દીધો છે.

એક અખબાર સાથેની વાતચીતમાં દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે આ આધિકારિકપણે પાર્ટીની લાઈન ન હતી. એ તેમના અંગત વિરોધની પદ્ધતિ હતી. તિવારીએ કહ્યું કે પક્ષ ઓડઇવનના વિરોધમાં છે. ઓડઇવનની જગ્યાએ દિલ્હીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સુધારો લાવવો જોઇએ.ભાજપના સૂત્રોનું કહેવું હતું કે વરિષ્ઠ નેતાગીરી વિરોધની રીતના મુદ્દે વહેંચાયેલી જોવા મળી હતી.

જોકે વિજય ગોયેલના વિરોધ પ્રદર્શનને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દિલ્હી પ્રભારી શ્યામ જાજૂનું સમર્થન મળ્યું હતું. તેઓ પણ એસયુવીમાં ગોયેલની સાથે હતાં. મુદ્દો ગરમ છે તેવામાં કેન્દ્રીયપ્રધાન સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ નારાજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગોયેલના વિરોધ દરમિયાન ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ તેમને 4,000 રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેને ગોયેલે એક નાગરિક હોવાના નાતે પોતે ઓડઇવન સ્કીમનો વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તેમના વલણને સુપ્રીમ કોર્ટે દોષમુક્ત માન્યું છે.

જણાવીએ કે સુપ્રીમ કોર્ટે સોમવારે આ યોજનાના તર્ક ઉપર સવાલો ઉઠાવ્યાં હતાં.મનોજ તિવારીએ જણાવ્યું હતું કે ભાજપ ઓડઇવનનો વિરોધ જારી રાખશે. 2011માં 6,000થી વધુ ડીટીસી બસોની સંખ્યા હવે ઘટીને લગભગ 3,500 થઈ ગઇ છે. આપ નેતાઓએ પ્રદૂષણ માટે પરાલી બાળવાને જવાબદાર ઠરાવ્યું પણ કેટલીક એજન્સીઓનું કહેવું છે કે સ્થાનિક કારણો મુખ્યરુપથી જવાબદાર છે.