આનંદોઃ હવે વૈષ્ણોદેવીથી ભૈરોં મંદિર સુધી રોપવે શરૂ; માત્ર ત્રણ મિનિટમાં જ પહોંચાશે

જમ્મુ – જમ્મુ અને કશ્મીર રાજ્યમાં વૈષ્ણોદેવી માતાનાં મંદિરના દર્શને જતા શ્રદ્ધાળુઓ હવે ભૈરોંનાથ મંદિરમાં પણ આસાનીથી દર્શન કરવા જઈ શકશે. કારણ કે, એ માટે રોપવે સેવાનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે.

આ કેબલ કાર સેવા આવતીકાલથી જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે.

માતા વૈષ્ણોદેવી મંદિર (ભવન)થી ભૈરોંનાથ મંદિર માત્ર દોઢ કિલોમીટર જ દૂર આવેલું છે, પરંતુ ચઢાણ ખૂબ જ કઠિન હોય છે.

વિગતો અનુસાર, વૈષ્ણોદેવી મંદિરના દર્શને આવતાં શ્રદ્ધાળુઓ-યાત્રાળુઓમાંથી માત્ર 30-40 ટકા લોકો જ ભૈરો મંદિરમાં દર્શન કરવા જતા હોય છે.

પરંતુ, હવે ભવન-ભૈરોં પેસેન્જર રોપવે સેવા શરૂ થવાથી યાત્રીઓ વૈષ્ણોદેવી મંદિરથી માત્ર ત્રણ મિનિટમાં જ ભૈરોં મંદિર ખાતે પહોંચી શકાશે. આ રોપવે રાઈડ માટેનો ખર્ચ વ્યક્તિદીઠ માત્ર 100 રૂપિયા રહેશે. આ ભાડું આવવા-જવા, બંને દિશાનું છે. આ રોપવેથી ભવન અને ભૈરોં મંદિર વચ્ચે વન-વે સફર માત્ર ત્રણ મિનિટમાં પૂરી થશે, જે પહાડ ચડીને જવાથી લગભગ એકથી બે કલાક લાગે છે.

રવિવારે આ સેવાનું ટ્રાયલ રન ગઈ કાલે કરવામાં આવ્યું હતું અને આજે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.

આ રોપવે સેવાનું રાજ્યના ગવર્નર સત્યપાલ મલિકે આજે ઉદઘાટન કર્યું હતું.

પેસેન્જર રોપવેમાં બે સંપૂર્ણ રીતે બંધ અવસ્થાવાળી અને પહોળા કદવાળી કેબિન છે. દરેક કેબિનમાં 40-50 જણનો સમાવેશ થઈ શકે છે. બંને કેબિનમાં વેન્ટિલેશન માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ રોપવે પ્રોજેક્ટ સ્વિટ્ઝરલેન્ડની ગારવેન્ટા એજી અને કોલકાતાની દામોદર રોપવેઝ કન્સ્ટ્રક્શન કંપની પ્રા.લિ. વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ રોપવે સેવાનું સમગ્ર રીતે સુપરવિઝન કરશે મેસર્સ RITES લિમિટેડ.

રોપવેની કેબિન તથા સાધનસામગ્રી સ્વિટ્ઝરલેન્ડમાંથી આયાત કરવામાં આવી છે.

રોપવે સિસ્ટમ સંબંધિત આવશ્યક સ્ટાન્ડર્ડ અને કોડ્સ અનુસાર તમામ સુરક્ષા ગીયર વડે સજ્જ છે.

પ્રતિ કલાક 800 જેટલા લોકોની ફેરી કરવાની આ કેબલ કાર ક્ષમતા ધરાવે છે.

આ સેવાને લીધે 6,600 ફૂટ ઊંચાઈ પર આવેલા મંદિરે માત્ર ત્રણ મિનિટમાં પહોંચી શકાશે.

રોપવે પેસેન્જર્સને રૂ. પાંચ લાખનું અતિરિક્ત જીવન વીમા કવચ મળશે, જે યાત્રીઓની ખોજ માટે અપાતા રૂ. પાંચ લાખના વીમાની ઉપરાંત હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]