એમેઝોન-ફ્લિપકાર્ટને નોટિસઃ પ્રોડક્ટ કયા દેશમાં બની છે તે જણાવો…

નવી દિલ્હીઃ ચીની સૈનિકોએ સરહદ પર ભારત સાથે તંગદિલી વધારી દીધી હોવાથી ચાઈનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની ઝુંબેશ હાલ દેશમાં જોરશોરથી ચાલી રહી છે. એને લીધે મેડ ઈન ઈન્ડિયા ચીજવસ્તુઓને ખૂબ વેગ મળ્યો છે અને પ્રાયોરિટી પણ મળી રહી છે. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘લોકલ માટે બનો વોકલ’નો નારો આપ્યો છે ત્યારથી લોકોએ સ્થાનિક સ્તરે બનાવાતી ચીજવસ્તુઓની ખરીદી શરુ કરી દીધી છે. જેનાથી ઓનલાઈન વેચાણ ઓછું થઈ ગયું છે. હવે લોકો ઓનલાઈન સામાન ખરીદવાનું પહેલા જેટલું પસંદ કરતા નથી. આનું કારણ એક એ પણ છે કે, ઓનલાઈન ચીજવસ્તુઓમાં એ જાણવું ખૂબ અઘરું બની જાય છે કે જે તે પ્રોડક્ટ કયા દેશની બનાવટ છે. આને લઈને એક વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં એ અપીલ કરી છે કે, ઓનલાઈન કંપનીઓને કહેવામાં આવે કે તેઓ એ વાતની જાણકારી આપે કે જે તે પ્રોડક્ટ કયા દેશમાં બનાવવામાં આવેલી છે. આ પીટિશનને પગલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સહિત ઈ-કોમર્સ વેબસાઈટ્સ – એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ તથા અન્ય લાગતાવળગતા લોકોને નોટિસ જાહેર કરી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, ઈ-કોમર્સ વેબસાઈટ્સે પોતાની સાઈટ ઉપર જે તે પ્રોડક્ટ મામલે પૂર્ણ જાણકારી આપવી કે આ પ્રોડક્ટનું કયા દેશમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન પટેલ અને ન્યાયમૂર્તિ પ્રતીક જલાનની પીઠે કેન્દ્ર અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ – એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલને નોટિસ જાહેર કરીને 22 જૂલાઈ સુધીમાં એમનો પ્રત્યુત્તર રજૂ કરવાનો આદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારે ભારતીય વસ્તુઓને વેગ આપવા અને ખરીદવાની અપીલ કરી છે ત્યારે જરુરી છે કે આ આદેશન લાગુ કરવામાં આવે. આનાથી ભારતમાં બનેલી પ્રોડક્ટ્સનું વેચાણ વધશે.