ઉત્તરપૂર્વ રાજ્યોમાં પૂરથી 70 લાખ લોકો પ્રભાવિત, રાહુલ ગાંધીએ તસવીર શેર કરી અપીલ…

0
745

નવી દિલ્હી- દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં મૂશળધાર વરસાદને પગલે પૂરની સ્થિતિ છે, જેના પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે, તે પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ જાય.

તેમણે ટ્વીટ કર્યુ કે, અસમ, બિહાર, ઉત્તરપ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં પૂરને પગલે સ્થિતિ બેકાબુ બની ગઈ છે. જન-જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ગાંધીએ કહ્યું કે, હું આ તમામ રાજ્યોના કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરું છું કે, તેઓ લોકોની મદદ માટે તાત્કાલિક જોડાઈ. મહત્વનું છે કે, પૂર્વોત્તર અને બિહારના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ વિકટ બની છે.

ઓવરફ્લોને કારણે મરનારાઓની સંખ્યા સોમવારે વધીને 44  પર પહોંચી છે. આ ઉપરાંત કૃદરતી આપત્તિથી લગભગ 70 લાખ લોકો પ્રભાવિત થયાં છે. અસમના 33માંથી 30 જિલ્લામાં અંદાજે 43 લાખ લોકો પ્રભાવિત થયાં છે. પૂરમાં 15 લોકો તણાઈ ગયા છે.

આ ઉપરાંત કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, પોબિતોરા વન્યજીવ અભયારણ્ય અને માનસ રાષ્ટ્રીય ઉદ્યાન પણ પાણીમાં તરબોળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસમના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનેવાલ સાથે સોમવારે ફોન પર વાત કરીને રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે જાણાકારી મેળવી હતી.

અસમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના 4157 ગામડાઓમાંથી 42.87 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. રાજ્યમાં બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ભયજનક સપાટી પર ચાલી રહ્યું છે. તો બીજી તરફ બિહારમાં પૂરના કારણે મરનારાઓની સંખ્યા 24 પર પહોંચી છે.

પડોશી દેશ નેપાળમાં પણ મુશળધાર વરસાદને કારણે રાજ્યના 12 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે, જેમાં 25.66 લાખ લોકો પ્રભાવિત થયાં છે. મુખ્યપ્રધાન નીતિશ કુમારે હવાઈ મુસાફરી કરીને પૂરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો છે.

મિઝોરમમાં ખતલંગતુઈપુઈ નદીમાં પૂર આવવાને કારણે 32 ગામડાઓ પ્રભાવિત થયાં છે, અને ઓછામાં ઓછા 1 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મેઘાલયમાં છેલ્લા 7 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે બે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે જેના પાણી પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના મેદાની વિસ્તારોમાં ઘૂસી ગયા છે.

હાલમાં ત્રિપુરામાં સ્થિતિ સુધારી હોવના સંકેતો મળી રહ્યાં છે. ત્યાંની બે નદીઓમાં પાણી ઉતરવાનું શરુ થઈ ગયું છે. અધિકારીઓએ બતાવ્યું કે, અનેડીઆરએફ અને સુરક્ષાદળોના કર્મચારીઓએ પૂરગ્રસ્ત ખોબઈ અને પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં અનેક લોકોને બચાવ્યા છે.

તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોની રાહનો સોમવારે અંત આવ્યો છે, દિલ્હીમાં 28.8 મીમી વરસાદ થયો જે આ વર્ષે જૂલાઈમાં સોથી વધુ છે. આગામી બે-ત્રણ દિવસમાં હજુ પણ વરસાદ થવાનું અનુમાન છે. અસમમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.