જમ્મુ-કશ્મીરમાં ‘રમઝાન યુદ્ધવિરામ’ની મુદત લંબાવાશે નહીં: કેન્દ્ર સરકારની ઘોષણા

નવી દિલ્હી – મુસ્લિમ સમુદાયના રમઝાનના પવિત્ર મહિના દરમિયાન જમ્મુ અને કશ્મીર રાજ્યમાં લાગુ કરવામાં આવેલા એકતરફી યુદ્ધવિરામને કેન્દ્ર સરકારે પાછો ખેંચી લીધો છે. હવે હિંસાખોરો પર સરકાર તૂટી પડશે અને એમની સામેની કાર્યવાહી ફરી શરૂ કરશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે આજે પત્રકારોને આ જાણકારી આપી હતી.

રમઝાન માસ દરમિયાન હિંસાખોરો પર કોઈ પગલાં ન લેવાનો કેન્દ્ર સરકારે ભારતીય સેનાને આદેશ આપ્યો હતો. તે અંતર્ગત સુરક્ષા દળોએ એમની પર હિંસા થઈ હોવા છતાં સંયમ જાળવ્યો હતો. પરંતુ, હવે સરકારના નિર્ણયને પગલે આજથી જ ઉગ્રવાદી તત્ત્વો સામે ‘ઓપરેશન ઓલઆઉટ’ ફરી શરૂ કરવામાં આવશે.

રાજનાથ સિંહે કહ્યું કે, ગઈ 17 મેએ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો કે સુરક્ષા દળોએ રમઝાન મહિના દરમિયાન જમ્મુ અને કશ્મીરમાં આક્રમક કામગીરી હાથ ધરવી નહીં. એ નિર્ણય રાજ્યનાં શાંતિપ્રિય લોકોનાં હિતમાં લેવામાં આવ્યો હતો.

સુરક્ષા દળોને તે પહેલાં એવો આદેશ આપવામાં આવ્યો હતો કે ત્રાસવાદીઓને હુમલા કરતા રોકવા અને ઉગ્રવાદી તત્ત્વોને હિંસાખોરી કરતા રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવા. હવે રમઝાન મહિનો પૂરો થઈ ગયો હોવાથી સરકારે રાજ્યને ત્રાસવાદ અને ભયના વાતાવરણથી મુક્ત કરવા માટે ત્રાસવાદી તત્ત્વો પર ફરી તૂટી પડવા માટે ઓપરેશન ઓલઆઉટ ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે.