મહારાષ્ટ્રમાં ડીટેન્શન સેન્ટર ખોલાશે નહીં, મુસ્લિમોએ ગભરાવાની જરૂર નથી: ઉદ્ધવ ઠાકરેની ખાતરી

મુંબઈ – નાગરિકતા સુધારિત કાયદો એટલે કે સિટીઝન્સ (અમેન્ડમેન્ટ) એક્ટ (CAA) વિશે દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે એવી ખાતરી ઉચ્ચારી છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં કોઈ ડીટેન્શન સેન્ટર (અટકાયત કેન્દ્ર) શરૂ કરવામાં નહીં આવે અને પોતાના નેતૃત્ત્વવાળી સરકાર હેઠળ મુસ્લિમ નાગરિકોએ જરાય ગભરાવાની જરૂર નથી.

એમણે આ ખાતરી એમને સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે મળવા ગયેલા મુસ્લિમ આગેવાનોના એક પ્રતિનિધિમંડળને આપી હતી.

આ પ્રતિનિધિમંડળના એક સભ્ય હતા એનસીપી પાર્ટીના વિધાનસભ્ય નવાબ મલિક. એમણે સમાચાર સંસ્થા પીટીઆઈ સાથે વાત કરતાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાને મુસ્લિમોને ખાતરી આપી છે કે રાજ્યમાં એમને કોઈ અન્યાય થશે નહીં.

મુખ્ય પ્રધાને મુસ્લિમ સમુદાયની એ ચિંતાનું પણ નિવારણ કરી દેતા કહ્યું હતું કે નવી મુંબઈના ખારઘરમાં જે ડીટેન્શન સેન્ટર (અટકાયત કેન્દ્ર) છે તે વિદેશી નાગરિકો માટેનું છે જેઓ કેફી દ્રવ્યોની હેરાફેરીના કેસોમાં સંડોવાયેલા હોય.

ઉલ્લેખનીય છે કે નવાબ મલિકની એનસીપી પાર્ટી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારમાં ભાગીદાર છે.

મલિકે મુખ્ય પ્રધાન ઠાકરેને ટાંકીને કહ્યું કે ખારઘરના ડીટેન્શન સેન્ટરમાં માત્ર 38 જણને જ રાખવાની જગ્યા છે. જે વિદેશી નાગરિકોને જેલમાંથી છોડી મૂકવામાં આવે છે, એમને તેમના મૂળ દેશમાં મોકલી દેવામાં આવે  એ પહેલાં આ ડીટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે.

ઠાકરેએ કહ્યું છે કે નાગરિકત્વ સુધારિત કાયદા વિશે લોકોએ કોઈ પ્રકારની ગેરસમજ કરવાની જરૂર નથી. મારી સરકાર કોઅઈ પણ ધર્મ કે સમુદાયના નાગરિકોનાં હકને નુકસાન થવા નહીં દે. રાજ્યમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે એવી હું અપીલ કરું છું.

પ્રતિનિધિમંડળમાં રાજ્યના ગૃહ પ્રધાન એકનાથ શિંદે, ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ, રાજ્યના પોલીસ વડા સુબોધ જાયસ્વાલ, મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વે, શિવસેનાના વિધાનસભ્ય અબ્દુલ સત્તાર અને કોંગ્રેસના વિધાનસભ્ય અમીન પટેલ પણ સામેલ હતા.

ગયા રવિવારે નવી દિલ્હીમાં એક જાહેર સભામાં વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ પાર્ટી અને એના સહયોગી પક્ષો તથા ‘શહેરી નક્સલવાદીઓ’ પર એવો આક્ષેપ કર્યો હતો કે મુસ્લિમોને ડીટેન્શન સેન્ટરોમાં મોકલી દેવામાં આવશે એવી તેઓ અફવા ફેલાવે છે.

મોદીએ રેલીમાં એમ પણ કહ્યું હતું કે નાગરિકત્વ કાયદો કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)ને ભારતમાંના મુસ્લિમ નાગરિકો સાથે કોઈ લેવાદેવા નથી. એમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે એમની સરકારે કેન્દ્ર સરકારને એવો પ્રસ્તાવ આપ્યો હતો કે જે વિદેશી નાગરિકોના વિઝાની મુદત પૂરી  થઈ ગઈ હોય એમને રાખવા માટે કોઈક કામચલાઉ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવે. પરંતુ, ઉદ્ધવ ઠાકરેની સરકારે એ પ્રસ્તાવને રદબાતલ કરી દીધો છે.