બજારમાં મધના ‘ક્યૂબ’ લાવીને ચ્હાની મજા વધારશે સરકાર…

નવી દિલ્હીઃ દેશમાં ગ્રામીણક્ષેત્રમાં ગરીબી અને બેરોજગારી વ્યાપક હોવાની વાતનો સ્વીકાર કરતાં કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીએ ગુરુવારે કહ્યું કે સરકાર ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કેટલાક પ્રયાસ કરી રહી છે. એવા એક પ્રયાસ હેઠળ આગામી સમયમાં ખાદી ગ્રામોદ્યોગ આયોગ મધના ક્યૂબ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ક્યૂબને ખાંડની જગ્યાએ ઉપયોગમાં લઇ શકાશે. ગડકરીએ લોકસભામાં આ વાત જણાવતાં કહ્યું કે સરકાર મધના કલસ્ટર બનાવી રહી છે અને સારી ગુણવત્તાના મધમાંથી ખાંડની જેમ જ ક્યૂબ બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે.

નિતીન ગડકરીએ સુનીલકુમાર પિંટૂના પૂરક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે ખાદી ગ્રામોદ્યોગ આગામી મહિનાઓમાં મધના ક્યૂબ્સનું વેચાણ શરુ કરશે. આવનારા છ મહિનામાં જ લોકો આ મધના ક્યૂબ નાંખેલી ચા પી શકશે.તેમણે કહ્યું કે એમએસએમઇ મંત્રાલય ભારત ક્રાફ્ટ નામથી નવી ઇ-કોમર્સ પોર્ટલ શરુ કરશે, જેને ભારતીય સ્ટેટ બેંકના સહયોગથી ચલાવવાની યોજના છે.

આ નવા પોર્ટલ પર એમએસએમઇના બધાં ઉત્પાદન વેચાણ માટે ઉપલબ્ધ હશે અને ન્યૂયોર્કમાં બેસીને કશ્મીરી શાલ ખરીદી શકાશે. આ ઉપરાંત નવા વિચારો રજૂ કરતી એક વેબસાઈટ પણ શરુ થવાની છે. સરકાર એ નવી ટેકનીકને લઇને કામ કરી રહી છે.

ગડકરીએ એમએસએમઇ દ્વારા આ વર્ષે 85 હજાર કરોડ રુપિયાના વ્યાપારની સંભાવના હોવાનું જણાવ્યું. આગામી પાંચ વર્ષમાં દેશના વિકાસમાં આ ક્ષેત્રનું યોગદાન 50 ટકા લઇ જવાનું લક્ષ્ય રખાયું છે. જે હાલમાં 29 ટકા જેટલું છે. તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન ફક્ત શહેરો પર જ નથી, બલકે ગ્રામીણ અને આદિવાસી ક્ષેત્રો પર વિશેષ ધ્યાન છે. તેમણે દાવો કર્યો કે કેટલાક વર્ષમાં દેશમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એવી મજબૂતી આવશે કે લોકો શહેરોમાંથી ગામડાં ભણી પરત ફરશે.