સિવિલ સર્વિસિસમાં જનરલ માટે વય મર્યાદામાં ઘટાડો કરવા નીતિ આયોગનું સૂચન

નવી દિલ્હી- નીતિ આયોગે ન્યૂ ઈન્ડિયાના હેતુ માટે ઘણી નવી રાષ્ટ્રીય રણનીતિ તૈયાર કરી છે. જેમાં સિવિલ સર્વિસીસની પરિક્ષાને લઈને પાયાના શિક્ષણમાં કેટલાક ફેરફારો કરવાનું સુચવ્યું છે, સાથે નીતિ આયોગે સિવિલ સર્વિસિસના ઉમેદવારો માટે મહત્તમ ઉંમરમાં ઘટાડો કરવા માટે પણ ભલામણ કરી છે.

નીતિ આયોગનું કહેવું છે કે, સિવિલ સર્વિસીઝની પરીક્ષાઓમાં ભાગ લેનારા સામાન્ય વર્ગના ઉમેદવારો માટેની હાલની મહત્તમ વય 32 થી ઘટાડીને 27 વર્ષ કરવી જોઈએ. સાથે જ આયોગ દ્વારા આ સુધારાને 2022-23 સુધી અમલમાં મૂકવાની પણ ભલામણ કરવામાં આવી છે. નીતિ આયોગની રિપોર્ટમાં ‘સ્ટ્રેટેજી ફોર ન્યૂઈન્ડિયા @ 75’ માં એવું સૂચન કરવામાં આવ્યું છે કે, તમામ સિવિલ સર્વિસિઝ માટે માત્ર એક જ પરીક્ષા લેવી જોઈએ.

નીતિ આયોગનું કહેવું છે કે, કેન્દ્રીય અને રાજ્ય સ્તર પર હાલની 60થી વધુ અલગ અલગ સિવિલ સર્વિસિઝ સેવાઓને ઘટાડવાની જરુર છે. સાથે જ ભરતી સેન્ટ્રલ ટેલેન્ટ પૂલ પર આધારિત હોવી જોઈએ. ઉપરાંત તમામ રાજ્યોએ કેન્દ્રના આધારે પ્રક્રિયાને પૂર્ણ કરવી જોઈએ.

નીતિ આયોગ સૂચવે છે કે, સરકારના ઉચ્ચ પદો પર નિષ્ણાંતોનો સમાવેશ ગુણવત્તા પ્રદાન કરશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે ” અધિકારીઓને તેમના શિક્ષણ અને કુશળતાના આધારે નિષ્ણાંતના પદ પર સમાવેશ કરવાનો ઉદેશ્ય છે. જેથી જ્યાં પણ આવશ્યક હોય ત્યાં લાંબાગાળા સુધી અધિકારીઓની કુશળતાના આધારે પોસ્ટિંગ કરી શકાય

આયોગે જણાવ્યું હતું કે, વિશિષ્ટરૂપે તૈયાર કરાયેલ એક એપ્ટીટ્યૂડ ટેસ્ટ 9માં ધોરણમાં ફરજિયાત કરવામાં આવે અને  ધોરણ 10માં તેની ફરી એક વખત ટેસ્ટ લેવામાં આવે, જેના આધારે વિદ્યાર્થીઓને ‘નિયમિત’ ટ્રેક vs એડવાન્સ ટ્રૅકનો વિકલ્પ પસંદ કરવા દેવામાં આવશે. આ બે ટ્રેક મુશ્કેલી સ્તર અને વિષયોની પસંદગીના સંદર્ભમાં એકબીજાથી અલગ હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]