રફાલ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપોને સીતારામને નકારી કાઢ્યા

નવી દિલ્હી – રફાલ ફાઈટર જેટ વિમાનોના સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાના તમામ આરોપોને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને આજે રદિયો આપ્યો છે અને કોંગ્રેસ પર એમ કહીને વળતો પ્રહાર કર્યો હતો કે બોફોર્સ તોપ સોદો એક કૌભાંડ હતું જ્યારે રફાલ સોદો રાષ્ટ્રના હિતમાં કરાયો છે અને આ સોદો નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે પાછા લાવશે.

ફ્રાન્સની ફાઈટર જેટ વિમાન ઉત્પાદક કંપની દાસોલ્ટ સાથે ભારત સરકારે કરેલા સોદા મામલે આજે લોકસભામાં અઢી કલાક સુધી ચર્ચા થઈ હતી. એ ચર્ચામાં સીતારામને પોતાનાં ઉત્તરમાં કહ્યું હતું કે બોફોર્સ તોપ સોદો એક કૌભાંડ હતું જ્યારે રફાલ સોદો રાષ્ટ્રના હિતમાં કરાયો છે. આ મામલો નવા ભારતના નિર્માણ માટે મોદીને સત્તા પર પાછા લાવશે અને ભ્રષ્ટાચારને દૂર કરશે.

સીતારામને કહ્યું કે સંરક્ષણને લગતા સોદાઓ કરવા અને દેશનું સંરક્ષણ કરવું એ બેઉમાં ઘણો ફરક હોય છે. પહેલું રફાલ ફાઈટર જેટ વિમાન આ વર્ષના સપ્ટેંબરમાં ડિલિવર કરવામાં આવશે અને બાકીના 35 વિમાન 2022ની સાલ સુધીમાં ડિલિવર કરાશે.

સીતારામને કોંગ્રેસ પર એવો પણ આરોપ મૂક્યો કે આ પાર્ટી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) માટે મગરનાં આંસુ સારે છે. કોંગ્રેસ સરકારે HALને 53 પ્રકારની રાહતો આપી હતી, પણ અમે રૂ. એક લાખ કરોડની કિંમતના કોન્ટ્રાક્ટ આપ્યા છે.

સંરક્ષણ પ્રધાને સવાલોના જવાબ આપ્યાં નથીઃ રાહુલ ગાંધી

સીતારામને એમનું સંબોધન પૂરું કરી લીધા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગૃહમાં કહ્યું હતું કે સીતારામન બે કલાક સુધી બોલ્યાં, પણ દાસોલ્ટ એવિએશનને ઓફ્ફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીના નામની ભલામણ કોણે કરી એનો જવાબ આપી શક્યાં નથી.

રાહુલે કહ્યું કે ફ્રેન્ચ પ્રમુખ મેક્રોને કહ્યું હતું કે બંને દેશ વચ્ચે થયેલા ખાનગી કરારમાં સોદાની કિંમત કોઈ હિસ્સો નથી અને તમે એ જાહેરમાં જણાવી શકો છો. ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ હોલાંદે એક અન્ય નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે મને અનિલ અંબાણીનું નામ ભારતીય વડા પ્રધાન અને ભારત સરકારે જ આપ્યું હતું… રાહુલે આ વિશે કહ્યું કે, સંરક્ષણ પ્રધાન સીતારામ બે કલાક સુધી રફાલ સોદા મામલે બોલ્યાં, પણ અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ કોણે આપ્યો એ વિશે જરાય જણાવ્યું નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]