દયા અરજીમાં મારી સહી નથીઃ નિર્ભયાના ગુનેગારનો દાવો કે નવો દાવ?

નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં આરોપીની દયાઅરજી મામલે નવી વાત સામે આવી છે. દોષી વિનય શર્માની દયા અરજીને બાબતે આ નવો વળાંક આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ૨૦૧૨માં નિર્ભયા ગેંગરેપ માટે દોષિત વિનય શર્માએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ કે રામનાથ કોવિંદને લખેલા પત્રમાં તેની સહી નથી, તેથી તેમણે તાકીદની અસરથી દયાની અરજીને ફગાવી દેવાય.

દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી સરકારે દોષિત વિનય શર્માની દયા અરજી અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પોતાનો અહેવાલ મોકલ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર હેઠળ ગૃહ મંત્રાલય નિર્ભયાને દોષી ઠેરવતાં વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા વિનયની અરજીને રદ કરવાની ભલામણ કરાઈ છે.

બંધારણના આર્ટિકલ 7૨માં રાષ્ટ્રપતિ દ્વારા કોઈ પણ દોષિત ગુનેગારની સજા ઓછી કરવાની અને તેની સજા સંપૂર્ણ માફ કરવાની જોગવાઈ છે.

આપને જણાવીએ કે દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં થયેલાં નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિત વિનય શર્માની અરજી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે પહેલાં જ ફગાવી દીધી છે. વિનયની દયા અરજીને લગતી ફાઇલને દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં મોકલી હતી. આ સાથે જ, દયાની અરજીને ફગાવી દેવા માટે દિલ્હી સરકારે તેના વતી એક અહેવાલ આપ્યો હતો. સપ્તાહની શરૂઆતમાં એટલે કે સોમવારે, ઉપરાજ્યપાલની પણ દયાની અરજીને રદ કરવાની મંજૂરી મળી. હવે આ ફાઇલ દિલ્હી સરકાર તરફથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી છે. રાષ્ટ્રપતિએ આ અંગે અંતિમ નિર્ણય લેવો પડશે.

આ કેસ વિશે ટૂંકમાં જણાવીએ કે 16 ડિસેમ્બર 2012ના રોજ, દક્ષિણ દિલ્હીમાં, નિર્ભયા પર ચાલતી બસમાં ગેંગરેપ થયો હતો. સારવાર દરમિયાન સિંગાપોરની એક હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં દિલ્હી હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે ચારેય દોષી મુકેશ, પવન, વિનય અને અક્ષયને ફાંસીની સજા પણ આપી હતી.  દોષી રામસિંહ તિહાર જેલમાં ફાંસો લગાવી મરી ગયો હતો અને અન્ય એક સજા પામેલ સગીર દોષિત ગૃહમાં સજા કાપી ચૂક્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]