PNB કૌભાંડ: નીરવ મોદીને ભારતના કાયદા પર વિશ્વાસ નથી, પરત ફરવા રાખી શરતો

નવી દિલ્હી- પંજાબ નેશનલ બેન્ક મહાકૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને ભારતના કાયદા પર વિશ્વાસ નથી. નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું કે, સરકાર એ વાતની ખાત્રી આપે કે, તે નીરવ મોદી સામે નિષ્પક્ષ કાર્યવાહી કરશે તો મારા ક્લાયન્ટ ભારત પરત ફરવા વિચાર કરી શકે છે.આપને જણાવી દઈએ કે, PNB સાથે સાડા અગિયાર હજાર કરોડનું કૌભાંડ આચરનારા નીરવ મોદીનું ભારત પરત ફરવું એ જે-તે દેશના કાયદા પર આધારિત છે, જ્યાં હાલ નીરવ મોદી છુપાયેલો છે. નીરવ મોદીના વકીલે કહ્યું કે, હાલમાં મારા ક્લાયન્ટને ભારત પરત ફરવા માહોલ અનુકૂળ નથી. કારણકે નીરવ મોદીને કોઈપણ પ્રકારની સુનાવણી પહેલા જ દોષી જાહેર કરી દેવામાં આવ્યો છે.

હાલમાં તો પ્રવર્તન નિર્દેશાલય (ED) અને CBI દેશભરમાં નીરવ મોદીના ઠેકાણાઓ પર દરોડા પાડી તેની સંપત્તિઓ જપ્ત કરી રહ્યાં છે. ઉપરાંત EDએ નીરવ મોદી સામે મની લોન્ડ્રિંગ મામલે કેસ પણ દાખલ કર્યો છે. બીજી તરફ CBIએ પણ નીરવ મોદી સામે છેતરપિંડીનો કેસ કર્યો છે. નીરવ મોદીની ભાળ મેળવવા CBIએ ઈન્ટરપોલની મદદ લીધી છે.

કાયદાના જાણકારોનું માનવું છે કે, નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે ભારત સરકારે સંબંધિત દેશને નીરવ મોદીના કેસથી માહિતગાર કરાવવા પડશે. ત્યારબાદ જે-તે દેશ પાસેથી મદદ મેળવી તેને ભારત પરત લાવવા કાર્યવાહી કરવી પડશે. જો સંબંધિત દેશ સાથે ભારતે પ્રત્યાર્પણ અંગે અગાઉથી જ કરાર કરેલા હશે તો નીરવ મોદીને ભારત પરત લાવવો બહુ મુશ્કેલ રહેશે નહીં.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2002થી ડિસેમ્બર 2016 દરમિયાન જર્મની, સંયુક્ત અરબ અમીરાત, પેરુ સહિતના દેશોએ કુલ 62 ભાગેડુઓનું પ્રત્યાર્પણ કર્યું છે. જેની માહિતી વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર પલબ્ધ છે.