મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મંગળવારથી 5-જાન્યુઆરી સુધી રાત્રી-કર્ફ્યૂ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આવતીકાલે 22 ડિસેમ્બરથી લઈને પાંચમી જાન્યુઆરી સુધી રાજ્યમાં તમામ મહાનગરપાલિકાવાળા શહેરોમાં રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટનમાં કોરોના વાઈરસ બીમારીનો એક નવો પ્રકાર નિરંકુશ બની જતાં અને ત્યાં દર્દીઓના કેસો વધી જતાં મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે. 22 ડિસેમ્બરથી રાતે 11 વાગ્યાથી લઈને બીજે દિવસે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નિયમ લાગુ થશે જે 2021ની પાંચ જાન્યુઆરી સુધી લાગુ રહેશે.

રાજ્ય સરકારે યુરોપ તથા મધ્ય પૂર્વના દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ એરપોર્ટ પર આવી પહોંચે તે પછી એમનું સંસ્થાકીય ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત અન્ય દેશોમાંથી આવતા પ્રવવાસીઓ માટે હોમ ક્વોરન્ટાઈનનો નિયમ લાગુ રહેશે.