આગામી સપ્તાહ જમ્મુકશ્મીર અને દેશ માટે ખૂબ સંવેદનશીલ, વાંચો કારણો…

નવી દિલ્હીઃ આવતો સમય જમ્મૂ-કાશ્મીર અને દેશ માટે ખૂબ સંવેદનશિલ સાબિત થનારો હોવાનું લગભગ તમામ દેશવાસીઓનું માનવું હશે. ત્યારે આ સપ્તાહે જમ્મુકશ્મીરની જનતા ખાસ કરીને ઘાટીના લોકોનો મૂડ કલમ 370 મામલે ખ્યાલ આવશે. સુરક્ષા દળોની રણનીતિ પણ જોવા મળશે. 9 થી ઓગસ્ટ સુધી જમ્મૂ અને કાશ્મીરમાં 5 મોટા આયોજનો થવાના છે.

આર્ટિકલ 370 હટાવવામાં આવ્યાં બાદ કાશ્મીર ઘાટીની સ્થિતી કેવી રહે છે તેના પર સુરક્ષા એજન્સીઓ અને કેન્દ્રની સતર્ક નજર છે. હકીકતમાં 8 અને 9 ઓગસ્ટના રોજ અંગ્રેજો ભારત છોડો આંદોલનની 76મી વર્ષગાંઠ છે. 9 ઓગસ્ટના રોજ શુક્રવારની નમાજ છે. ત્યારબાદ 12 ઓગસ્ટના રોજ ઈદ-ઉલ-જુહા છે. પાકિસ્તાન 14 ઓગસ્ટના રોજ પોતાની આઝાદીની ઉજવણી કરે છે. આ પહેલાં 13 ઓગસ્ટના રોજ પણ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ભારત વિરોધી કાર્યક્રમો થતાં હતાં.

આ સમયે કાશ્મીર ઘાટીમાં પણ આતંકી સંગઠન પાકિસ્તાનનો ઝંડો ફરકાવવાના પ્રયત્નો કરે છે. આ સમયગાળામાં હજ કરીને પાછા આવેલા હાજીઓના સન્માનનો કાર્યક્રમ પણ હોય છે. 12 ઓગસ્ટના દિવસે બકરી ઈદ હોવાના કારણે આ દિવસ ખાસ છે. ઘાટીમાં આશરે 96 ટકા આબાદી મુસ્લિમ છે. બકરી ઈદ રાજ્યનો પ્રમુખ તહેવાર છે, ત્યારે એવામાં મોટો સવાલ છે કે શું બજાર ખુલશે કે પછી બંધ જ રહેશે?

14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનની આઝાદીનો દિવસ છે. પાકિસ્તાને જાહેરાત કરી છે કે તે આઝાદીનો જશ્ન કાશ્મીરીઓ સાથે મનાવશે. પાકિસ્તાની સેના આ દિવસે સીમા પર ગોળીબાર પણ કરે છે. 15 ઓગસ્ટના રોજ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટના દિવસે જમ્મુકાશ્મીરની તમામ 4 હજાર પંચાયતો અને ગામડાઓમાં તિરંગો ફરકાવવાની જાહેરાત કરી છે.

370 ખતમ થવાની સાથે જ જમ્મૂ-કાશ્મીરનોં પોતાનો અલગ ઝંડો હવે નહી રહે. જો કે શ્રીનગર સચિવાલયમાં બુધવારના રોજ પણ તિરંગા સાથે રાજ્યનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. રાજ્યનો આ ઝંડો 13 જુલાઈ 1931થી ફરકી રહ્યો છે.