પીએમ મોદીની સુરક્ષા માટે નવી ગાઈડલાઈન, પરવાનગી વગર પ્રધાનો પણ નહીં મળી શકે

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કથિત ષડયંત્રો સામે આવ્યા બાદ ગૃહમંત્રાલયે તેમની સુરક્ષા માટે નવી ગાઈડલાઈન જારી કરી છે. ગૃહમંત્રાલયે કહ્યું કે, સ્પેશિયલ પ્રોટેક્શન ગૃપ (SPG) તરફથી મંજૂરી મેળવ્યા વગર કોઈ પણ પ્રધાન અથવા અધિકારીને વડાપ્રધાનને મળવાની પરવાનગી આપવામાં આવશે નહીં.આ ઘટનાક્રમ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં સૌથી વધુ જોખમનો સામનો કરી રહ્યાં છે. અને વર્ષ 2019ની ચૂંટણી પહેલા તેઓ આતંકીઓના મુખ્ય ટાર્ગેટ પર છે.

મંત્રાલયે તેના પરિપત્રમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને ખતરો હોવાથી અને તેમને મળી રહેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને કોઈને પણ, એટલે સુધી કે કોઈ અધિકારી અથવા પ્રધાનને પણ SPGની પરવાનગી વગર વડાપ્રધાનને મળવા દેવામાં આવશે નહીં. SPGએ સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019ની ચૂંટણીના સંદર્ભમાં રોડ શો ઓછા કરવા જણાવ્યું છે અને તેના બદલે જનસભા કરવા સુચન કર્યું છે. કારણકે રોડ શો દરમિયાન વધુ જોખમ રહેલું છે અને જનસભાનું આયોજન પ્રમાણમાં સરળ હોય છે.

વડાપ્રધાનની સુરક્ષાની ક્લોઝ પ્રોટેક્શન ટીમને (CPT) નવા નિયમોથી માહિતગાર કરી દેવામાં આવી છે. તેમને વડાપ્રધાન પરના ખતરાથી એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને તાકિદ કરવામાં આવી છે કે, જો જરુર જણાય તો વડાપ્રધાનની મુલાકાત સમયે પ્રધાનો અને અધિકારીઓની પણ તલાશી લેવામાં આવે.

આપને જણાવી દઈએ કે, પુણે પોલીસે ગત સાત જૂનના રોજ અદાલતમાં જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિના દિલ્હી સ્થિત નિવાસ સ્થાનેથી પત્ર મળ્યો છે, જેમાં પૂર્વ પીએમ રાજીવ ગાંધીની જેમ પીએમ નરેન્દ્ર મોદીની પણ હત્યા કરવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા અંગે હાલમાં જ સમીક્ષા કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા માઓવાદી પ્રભાવિત રાજ્યોને ગૃહમંત્રાલયે સંવેદનશીલ જાહેર કર્યા છે. અને ઉપરોક્ત રાજ્યોના પોલીસ વડાઓને વડાપ્રધાનની મુલાકાત દરમિયાન વધારાની તકેદારી લેવા માટે પણ કહેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓ કેરળના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર વિશેષ નજર રાખી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સંગઠન ચરમપંથી સંગઠનોનું પ્રમુખ સંગઠન છે. જે પીએમ મોદી પર હુમલો કરી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]