ભાજપે એ ન ભૂલવું જોઈએ કે દરેક પાર્ટીમાં એક ચાણક્ય હોય છે

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિના માહિર ખેલાડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારનું નામ આજે દરેકના મોઢે સાંભળવા મળી રહ્યું છે. ભાજપના ચાણક્ય માનવામાં આવતા અમિત શાહને મહારાષ્ટ્રના રાજકીય દાવપેચમાં 79 વર્ષના આ કદાવર નેતાએ જોરદાર પછડાટ આપી છે. શરદ પવારે તેમના ભત્રીજા અજીત પવારની ઘર વાપસી કરાવીને ભાજપને સમીકરણ પણ પાણી ફેરવી દીધુ અને 3 દિવસમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું આપવા મજબૂર કરી દીધા. ઉદ્ધવ ઠાકરેને મંગળવારે જે સમયે ગંઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવી રહ્યા હતા એ સમયે હોટલની બહાર લોકોની ભીડમાં ‘મહારાષ્ટ્રમાં એક ટાઈગર, શરદ પવાર’ના નારા લાગી રહ્યા હતા.

વિધાનસભા ચૂંટણીમાં પોતાના મહેનતના જોરે અસ્તિત્વની લડાઈ લડી રહેલી એનસીપીને પવારે મજબૂત સ્થિતિમાં લાવી હતી. જોકે, તેમને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે તેમના ભત્રીજા અજીત પવારે પરિવાર સાથે વિદ્રોહ કરીને 23 નવેમ્બરે સવારે ભાજપ સાથે હાથ મિલાવી લીધો.

80 કલાકમાં ભાજપનું સપનું તોડ્યુ

આ પવારની જ રણનીતિનો ભાગ હતો જેના પરિણામ સ્વરૂપે ભાજપની સરકાર માત્ર 80 કલાક જ ટકી શકી. પવારે પારિવારિક દબાણ ઊભું કરીને અજીત પવારની ઘર વાપસી તો કરાવી પણ સાથે નાયબમુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું પણ આપવી દીધું. જોકે, અજીત પવારે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે. બીજેપીમાં ભુકંપ મચી ગયો એક તરફ ફ્લોર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવતાની સાથે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પણ એક્ટીવ થઈ ગયું. બહુમત ન હોવાથી ભાજપે ફડણવીસનું રાજીનામું આપવું જ યોગ્ય સમજ્યું.

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા એનસીપીને અનેક ઝટકા લાગ્યા હતા પણ શરદ પવારે ચૂંટણી પ્રચારની જવાબદારી પોતાના ખંભે લીધી અને સમગ્ર રાજ્યનો પ્રવાસ કર્યો. તેમના પ્રયત્નો રંગ લાવ્યા અને પાર્ટી 288 સભ્યોની સદનમાં 54 સીટો પર જીત મેળવીને આવી, જે 2014ની સરખામણીએ 13 સીટો વધારે છે. શરદ પવાર રાજ્યમાં સરકાર બનાવવા અને ભાજપને સત્તાથી દૂર રાખવામાં તમામ પક્ષોને જોડવાની તાકતના રૂપમાં ઉભરીને આવ્યા.

શરદ પવાર તેમના 52 વર્ષના રાજકીય કેરિયરમાં તેઓ રક્ષા મંત્રી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ત્રણ વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શરદ પવાર સાત વખત મહારાષ્ટ્ર વિધાનસભા અ લોકસભા માટે ચૂંટાઈ આવ્યા છે. તેઓ 27 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને 38 વર્ષની ઉંમરે કોંગ્રેસની સરકાર તોડી પાડી હતી.

 

એનસીપી અધ્યક્ષને પ્રસિદ્ધિ ત્યારે મળી જ્યારે 1978માં તેમણે વસંતદાદા પાટીલની સરકાર તોડીને જનતા પાર્ટી સાથે સરકાર બનાવી હતી. એ સમયે એમની ઉંમર માત્ર 38 વર્ષની હતી અને તે મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી હતા. શરદ પવાર જૂન 1988થી જૂન 1991 અને માર્ચ 1993થી માર્ચ 1995 સુધી મુખ્યમંત્રી રહ્યા. તેમણે જૂન 1991 અને માર્ચ 1993 સુધી દેશના રક્ષામંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી.

 

વર્ષ 1999માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિદેશી મૂળના હોવાનો મુદ્દો ઉઠાવીને તેમણે પોતાનો રસ્તો અલગ કર્યો અને એનસીપીની સ્થાપના કરી. 1999માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને એનસીપી રાજ્ય સરકાર બનાવવા માટે એકથઈ ગયા. શરદ પવારે મનમોહન સિંહની સરકારમાં દેશના કૃષિ મંત્રી બન્યા અને સતત 10 વર્ષ સુધી તેઓ આ પદ પર રહ્યા.

પવારની ગણના એવા નેતાઓમાં થાય છે જેમને વિચારધારાથી ઉપર તમામ પાર્ટીઓમાં સમ્માન મળે છે. એનસીપી અધ્યક્ષ પર વિરોધીઓ હંમેશા પરિવારવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા રહ્યા છે. તેમની પુત્રી સુપ્રિયા સુલે ત્રણ ટર્મથી બારામતીથી સાંસદ છે. તેમનો પૌત્ર રોહિત પવાર કરજત જામખેડ બેઠક પરથી ધારાસભ્ય છે. રાજનીતિ ઉપરાંત શરદ પવાર આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સહિત ક્રિકેટ એકમો સાથે પણ જોડાઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પવારની એક તસવીર ઘણી ચર્ચામાં રહી હતી. એ તસવીર હતી 21 ઓક્ટોબરની જ્યારે તે મહારાષ્ટ્રના સતારામાં વરસાદની વચ્ચે ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.

શાહ અને શરદ પવાર વચ્ચે રાજકીય ટક્કર નવી વાત નથી. લોકસભામાં મોદી લહેરની સામે હાર મેળવવા છતાં શરદ પવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ મહારાષ્ટ્રમાં ઘણુ સારુ પ્રદર્શન કર્યું હતું. એનસીપીએ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કરતા 10 બેઠકો વધુ મેળવી હતી. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેની મહત્વાકાંક્ષાઓ એ જો માથુ ન ઉચક્યુ હોત તો શરદ પવાર સત્તાની રેસમાંથી બહાર હોત. પણ હવે તેમની પાર્ટી પણ સત્તામાં આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]